શહેરમાં અલગ – અલગ ત્રણ અકસ્માતના બનાવમાં એક વૃદ્ધા સહિત બે ના મોત થયા છે. જ્યારે એક યુવકનો પગ કપાઇ જતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
વાસણા ભાયલી રોડ પર શ્રી હરિ રેસિડેન્સીમાં રહેતા જયમિન રોહિતભાઇ ભાવસાર અને તેમના મિત્ર શ્યામ બિસંભર ગીરી (ઉં.વ.૫૨) સાથે કાર લઇને વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કામ માટે ગયા હતા. કાર પાર્ક કરીને અમે બંને રોડ ક્રોસ કરીને જતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે શ્યામને ટક્કર મારતા ોડ પર પટકાયો હતો. તેના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
પરંતુ, ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.અમદાવાદથી સુરત જતા રોડ પર કપુરાઇ બ્રિજ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયુંહતું. અકસ્માતના કારણે કારના કાચ તૂટી ગયા હતા. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શેહરા નજીકના ખટકપુર ગામે રહેતો ૩૦ વર્ષનો રાજેશ અર્જુનભાઇ ખાંટ આજે સાંજે કારેલીબાગ વુડા સર્કલ નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન એક એસ.ટી.બસના ચાલકે તેને ટક્કર મારતા બસના તોતિંગ પૈંડા તેના પર ફરી વળતા પગ છૂટો પડી ગયો હતો. તેની આંગળીઓ પણ રોડ પર છૂટી પડી ગઇ હતી. અરેરાટીભર્યા અકસ્માતના કારણે લોકો ટોળે વળ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે પ્રધાનમંત્રી વડોદરા આવવાના છે, તેમના રૃટ પર જ અકસ્માત થયો છે.
