યુવકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડવા માટે પૂર્વ સાંસદ મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી સંસ્થા “યુવક પ્રેરણા ફાઉન્ડેશન” તથા પ્રખ્યાત કેરિયર કાઉન્સેલર વ્રજ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત “મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઈ.એ.એસ. અકાદમી” ના સંયુક્ત ઉપક્રમથી સ્થાપના કરવામાં આવેલી ‘વિવેક પ્રેરણા અભ્યાસિકા’નો ભવ્ય શુભારંભ શુક્રવાર, તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બી.એમ.સી. માર્કેટ બિલ્ડિંગ, પ્રથમ માળ, ત્રિદેવ ટાવર નજીક, ભક્તિ માર્ગ, મુલુન્ડ (પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાયો હતો.
આ અભ્યાસિકાનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશાધ્યક્ષ શ્રી રવિન્દ્ર ચૌહાણજી અને ચાણક્ય મંડળ પરિવારના સંસ્થાપક, નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી અવિનાશ ધર્માધિકારીજીના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય મિહિર કોટેચાજી, ટી વોર્ડની સહાયક આયુક્ત યોગિતા કોલ્હેજી, સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સામાજિક કાર્યકરો, પત્રકારો અને અન્ય માન્યવર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિવેક પ્રેરણા અભ્યાસિકાની વિશેષતાઓ
આ વાચનાલયમાં વિદ્યાર્થીઓ માટે હાલમાં દસ હજારથી વધુ પુસ્તકોનો ભવ્ય સંગ્રહ ઉપલબ્ધ છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે મફત આઈ.ક્યુ. અને અભિક્ષમતા પરીક્ષા, કેરિયર કાઉન્સેલિંગ તેમજ દેશ-વિદેશની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને કોચિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં ખાસ કરીને UPSC (આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., આઈ.આર.એસ.), MPSC (ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી એસ.પી., તલાટી/તહસીલદાર), બેન્કિંગ (આઈ.બી.પી.એસ., આર.બી.આઈ., એસ.બી.આઈ., સેેબી), રેલ્વે અને ડિફેન્સ (એન.ડી.એ., સી.ડી.એસ., ટી.એ.) તેમજ નીઈટ, આઈઆઈટી-જે.ઈ.ઈ., સી.એ., સી.એસ., એમ.બી.એ., એલ.એલ.બી., જીમેટ જેવી વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો અને કોચિંગ વિનામૂલ્ય મળશે.
અભ્યાસિકાનો હેતુ
આ સંસ્થાનો મુખ્ય હેતુ એવો છે કે, મધ્યમવર્ગીય પરિવારોના હોશિયાર વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરવી ન પડે અને તેમને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને જરૂરી પુસ્તકસામગ્રી મફતમાં મળે. આ સંદર્ભે માજી સાંસદ મનોજ કોટકએ જણાવ્યું કે “આજના સમયમાં શિક્ષણના વ્યાપારીકરણને કારણે ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ લેવાના સ્વપ્ન અધૂરા રાખવા પડે છે. આવી પરિસ્થિતિમાં આ અભ્યાસિકા તેમને મફત કેરિયર માર્ગદર્શન, આઈ.ક્યુ. ટેસ્ટ તેમજ શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવીને કારકિર્દી ઘડવા માટે સશક્ત સાધન સાબિત થશે.”
