સાઉથ મુંબઈના વિસ્તારોને શુક્રવારથી બાનમાં લેનારાં મરાઠા અનામત આંદોલનનો આખરે આજે રાજ્ય સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચે થયેલાં સમાધાનને પગલે અંત આવ્યો હતો. રાજ્ય સરકારે મુંબઈમાં અભૂતપૂર્વ અરાજકતા બાદ આખરે ઝૂકી જઈને મરાઠા આંદોલનકારીઓની તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી. તેમની મુખ્ય માગણીમાં જૂના હૈદરાબાદ અને સતારા રાજ્યના ગેઝેટનો અમલ કરવાનો સમાવેશ થાય છે. આ ગેઝેટ્સ માં તે સમયે ખેતી કરતા હોય તેવા તમામ મરાઠાઓને કુણબી ગણવામાં આવ્યા છે. આ ગેઝેટના અમલ સાથે મરાઠાઓને કુણબી તરીકે ઓબીસી અનામતનો લાભ આપવાનો માર્ગ મોકળો થયો છે
૧૯૧૮માં તત્કલીન હૈદરાબાદ રાજ્યની નિઝામ સરકારે પ્રગટ કરેલાં ગેઝેટમાં હાલના મહારાષ્ટ્રનના મરાઠવાડાના પણ ત્યારે હૈદરાબાદ રાજ્યમાં સ્થાન પામતા વિસ્તારોમાં ખેતી કરતા મરાઠાઓને કુણબી જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ ગેઝેટનો અમલ સ્વીકાર્યો છે. જરાંગનો દાવો છે કે મહારાષ્ટ્રમાં કુણબી ઓબીસી ગણાય છે. એટલે હવે મરાઠાઓને કુણબી તરીકે ઓબીસી અનામતના લાભો મળતા થશે. સરકાર ગામેગામ કમિટી રચી મરાઠાઓને ચકાસણી બાદ કુણબી જાતિ સર્ટિફિકેટો આપશે. આ સર્ટિફિકેટ આપવા માટે રાજ્ય સરકાર પાસે ૫૮ લાખ એન્ટ્રીઓ મોજુદ છે
આ ઉપરાંત સરકારે મરાઠા આંદોલનકારીઓ સામેના કેસો પાછા ખેંચવા, મરાઠા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલાના વાલીવારસોને વળતર ચૂકવવા , મૃતકોના એક પરિવારજનને સરકારી નોકરી આપવા સહિતની માગણીઓ પણ સ્વીકારી લીધી હતી. આ પહેલાં રાધાકૃષ્ણ વિખે પાટિલે કહ્યું હતું કે લોહીના સંબંધીઓને પણ કુણબી સર્ટિફિકેટ આપવા સામે આઠ લાખ વાંધા મળ્યા છે અને તેની ચકાસણીમાં સમય લાગે તેમ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમામ મરાઠાઓને કુણબી ગણી લેવાનો જીઆર પ્રગટ કરી શકાય કે કેમ તે માટે કાનૂની મસલત કરવી પડે તેમ છે અને તેમાં બે માસનો સમય લાગશે.
મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે (૪૩)એ સરકારી નોકરીઓ તથા શિક્ષણમાં મરાઠાઓેને ઓબીસી અનામતના ૧૦ ટકા ફાળવવાની માગણી સાથે ગઈ તા. ૨૯મીના શુક્રવારથી સાઉથ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું. જરાંગે વતી અગાઉ હાઈકોર્ટને ખાતરી અપાઈ હતી કે માત્ર પાંચ હજાર આંદોલનકારીઓ મુંબઈમાં આવશે અને આંદોલન શાંતિપૂર્ણ રહેશે. પરંતુ, તેને બદલે ૫૦ હજારથી પણ વધારે આંદોલનકારીઓ મુંબઈ આવી ગયા હતા અને તેમણે સાઉથ મુંબઈના યુનેસ્કો હેરિટેજ સાઈટ જાહેર થયેલાં સીએસટી સ્ટેશન સહિત તમામ મુખ્ય રસ્તાઓ અને આસપાસના વિસ્તારો પર કબજો જમાવી દીધો હતો.
રાજ્ય સરકારે મરાઠા અનામતના ઉકેલ માટે રચેલી કેબિનેટ પેટા કમિટીના ત્રણ સભ્યો મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ, માણિકરાવ કોકાટે અને શિવેન્દ્ર ભોસલે આઝાદ મેદાનમાં આંદોલનકારીઓના મંચ પર ઉપવાસી મનોજ જરાંગેેને મળ્યા હતા અને તેમને સરકાર તેમની તમામ માગણીઓ સ્વીકારી રહી હોવાની જાણ કરી હતી.
જરાંગેએ જાહેરાત કરી હતી કે આંદોલનમાં આપણો વિજય થયાની જાણ કરતા આંદોલનકારીઓ નાચી ઉઠયા હતા અને તેમણે હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. જરાંગેએ પારણા કર્યા બાદ તેમને તરત જ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ માટે લઈ જવાયા હતા.
