બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનીકથી આઠ બાળકોને ગંભીર અને જીવલેણ બિમારીથી બચાવી લીધા છે, જે અત્યાર સુધી માત્ર એક સંભાવના માનવામાં આવી રહી હતી. આ ટેકનીકને ‘3 પર્સન આઈવીએફ’ કહેવામાં આવે છે, જેનો મતલબ છે કે એક બાળકના જન્મમાં ત્રણ લોકોના ડીએનએ (માતા-પિતા અને ડોનર)નો ઉપયોગ કરાયો હતો. આ જાણકારી ન્યુકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બુધવારે આપી હતી.
ખરેખર તો કેટલીક મહિલાઓના માઈટોકોન્ડ્રિયા એટલે કે કોશિકાઓની ઉર્જા બનાવનાર ભાગમાં ખરાબી હોય છે, જો આ દોષ બાળકોમાં આવી જાય તો તેઓ જન્મતા જ ગંભીર બીમારીઓથી ગ્રાસિત થઈ શકે છે. ખાસ કરીને બાળકના મસ્તિષ્ક, હૃદય જેવા અંગો પર તેની અસર પડે છે, જેને વધુ એનર્જીની જરૂર પડે છે.
આ રીતે કામ આવી ટેકનિક: આ ટેકનિકમાં વૈજ્ઞાનિક માતાના અંડાણુનું માત્ર નાભિક (ન્યુકલીઅસ) લે છે અને પિતાના શુક્રાણુ સાથે તેને ફળદ્રુપ કરે છે. અંડાણુનો બહારનો ભાગ, જેમાં માઈટોકોન્ડ્રિયા હોય છે, તેને એક હેલ્ધી ડોનર મહિલા પાસેથી લેવામાં આવે છે.
આ રીતે તૈયાર કરવામાં આવેલ ભ્રુણથી સ્વસ્થ બાળક પેદા થાય છે. જેમાં માતા-પિતા બન્નેના ડીએનએ હોય છે, પણ બીમાર માઈટોકોન્ડ્રિય નથી હોતા. આ ટેકનીકથી આઠ બાળકો પેદા થયા છે. એક બાળક તો બે વર્ષનું થઈ ગયું છે, કેટલાક એકથી બે વર્ષની વચ્ચે છે અને બાકી નવજાત છે. બધા સ્વસ્થ છે, તેમના લોહીમાં માઈટોકોન્ડ્રિયલ બીમારીઓના લક્ષણ નથી મળ્યા, આને ખૂબ જ મોટી સફળતા માનવામાં આવે છે.
