ગુજરાત સરકારે 2000 આદિવાસી નાગરિકોના જીનોમ ભેગા કરીને તેમને લગતાં રોગોનો અભ્યાસ કરીને એક જીવનોમ લેબ તૈયાર કરવાની શરુઆત કરી છે ત્યારે સૌથી કુદરતી રીતે જીવતાં આદિવાસીઓ પણ હવે લાઈફ સ્ટાઈલ રોગોથી પરે નથી. ગુજરાતમાં 14.8% આદિવાસી કુલ વસ્તીમાં પણ હવે મેદસ્વીતા, સ્થૂળતા અને ડાયાબિટીસના રોગો જોવા મળી રહ્યા છે.
ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 17 જિલ્લાઓમાં વસતા આદિવાસીઓના જીનને લઈને જીનોમ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે ત્યારે આધુનિક શહેરીકરણની આદિજાતિ પર કેટલીક વિપરિત અસરો પડી રહી છે. આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં વાહનોનો ઉપયોગ, મિલેટ્સના બદલે નૂડલ્સ જેવા ખોરાકોનો વધુ પડતો ઉપયોગ આદિવાસી વિસ્તારોમાં પણ શહેર જેવા જ રોગોની શૈલીને જોખમી સ્તરે લઈ જઈ રહ્યો છે.
ભારતની એક જાણીતી લેબોરેટરી દ્વારા હમણાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વે પ્રમાણે ગુજરાતનો આદિવાસી વિસ્તાર પણ ડાયાબિટીસ, મેદસ્વીતા અને લાઈફ સ્ટાઈલ રોગોથી બાકાત નથી. 2025માં જ હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં ગુજરાતના આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશના 28 લાખ લોકોના મેડિકલ રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના આદિવાસીઓમાં 15% વયસ્કોમાં મેદસ્વીતા, ડાયાબિટીસ અને જીવનશૈલીને લગતા વિવિધ રોગો જોવા મળ્યા છે. 2019માં આ સર્વે જ્યારે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે આદિવાસીઓમાં જીવનશૈલીને લગતા રોગોનું પ્રમાણ 5% હતું જે આજે વધીને 15% થયું છે.
આ અંગે વાત કરતાં આદિવાસી વિસ્તારના એક નિવૃત તલાટી જણાવે છે કે બાજરી, જુવાર, રાગી ઈત્યાદી મિલેટની પરંપરા આપણને આદિવાસી ભોજનમાંથી મળી છે. પરંતુ હવે મોબાઈલને કારણે શહેરી સંપર્કો વધતાં ધીમે ધીમે આદિવાસી વિસ્તારોમાં પણ નૂડલ્સ અને ચાઈનીઝનું ચલણ વધી રહ્યું છે. જ્યાં માત્ર સાદુ ભોજન લેવામાં આવતું ત્યાં હવે નાના નાના ચાર રસ્તાઓ પર ચાઈનીઝ અને તળેલા ખોરાકના ખુમચા ઉપરાંત પાણીપુરી જેવા આહારો સામાન્ય થઈ ગયા છે.
શહેરોમાં મિલેટની પ્રથા પ્રચલિત છે પરંતુ શહેરના લોકો જ્યારે સાપુતારા, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠાના જંગલોમાં ફરવા માટે જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા તમને મકાઈ ડોડા સાથે હવે મેગીની કતારબંધ લાઈનો જોવા મળે છે. આ વ્યવસ્થા માત્ર પ્રવાસીઓ પૂરતી જ નથી પરંતુ ધીમે ધીમે આદિવાસી સમાજની નવી પેઢી પણ શહેરની ખોરાકશૈલી અપનાવવા લાગી છે જેની વિપરિત અસરરુપે મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવા રોગોનો પગપેસારો આદિવાસી પટ્ટામાં પણ પડી રહ્યો છે.
