ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત

Latest News અપરાધ આરોગ્ય કાયદો

 નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સોમવારે (25મી ઓગસ્ટ) ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, જલાલપોરના કરાડી ગામે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાયર જોઈન્ટ થઈ જતાં 7 લોકોને કરંટ લાગ્યો હતો.  જેમાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં સોમવારે પાંચ વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાયા બાદ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક સગીરનું ડીજે પરથી પટકાવાથી મોત થયું હતું. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે. જેથી પંથકમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *