અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

Latest News આરોગ્ય કાયદો દેશ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ 20-25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ચોથા માળે એક વર્ષની બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લીધા છે અને તેમને સારવાર માટે નજીકની VVCMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા.

નોંધનીય છે કે, હજુ પણ 20-25 લોકો કાટમાળમાં ફસાયેલા હોય શકે છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ એટલી જૂની હતી અને વરસાદના કારણે દીવાલમાં તિરાડ પડી ગઈ હતી. અધિકારીઓ દ્વારા સુરક્ષાના ધોરણને ધ્યાને રાખીને બીજી વિંગને પણ ખાલી કરી દેવામાં આવી છે. બચાવ કામગીરી દરમિયાન નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. હાલ આ બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *