છ મહીના પહેલા જ બનાવાયેલ સિમેન્ટ રોડના ખાડા પુરાયા

Latest News અપરાધ કાયદો ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાતા સિમેન્ટના રોડ અવારનવાર વિવાદમાં આવ્યા છે. સિમેન્ટનો એકપણ રોડ નહીં તુટે એવા દાવા કરાયા હતા. નવાવાડજ વોર્ડમાં છ મહીના પહેલા જ જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર તરફ તથા રાણીપ પોલીસ સ્ટેશન પાસે મગનપુરા નજીક બનાવેલ સિમેન્ટના રોડ ઉપરની સરફેસ ઘસાઈ જતા રોડ ઉપર ખાડા પડયા હતા.આ ખાડા કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાકોન પાસે પુરાવી રોડનુ સમારકામ કરાયુ છે. અંદાજે ૧૭ કરોડના સિમેન્ટના રોડનો કોન્ટ્રાકટ મેળવનારા કોન્ટ્રાકટરને નોટિસ પણ અપાઈ હોવાનુ રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ છે.

નવા વાડજ વોર્ડમાં ગત ઓગસ્ટ મહીનામાં અંદાજે ચાર કરોડના ખર્ચે કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાકોનને સિમેન્ટનો રોડ એક વર્ષમાં બનાવવા કામગીરી અપાઈ હતી.જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર તરફ જતા રોડ ઉપર બનાવાયેલા સિમેન્ટના રોડને તોડી તેનુ સમારકામ કરવાની ફરજ પડી છે.રોડ ઉપરની સરફેસ છ મહીનામા જ ઘસાઈ ગઈ હોવાની ફરિયાદ ભાજપના જ કોર્પોરેટર યોગેશ પટેલે કરી હતી. ઉપરાંત આ કોર્પોરેટરે રોડની કામગીરી ધીમી ચાલી રહી હોવાની રજુઆત પણ કરી હતી.આ ઉપરાંત રાણીપ પોલીસ સ્ટેશનથી મગનપુરાનજીક પણ સિમેન્ટનો રોડ બની ગયો છે. આ રોડ ઉપર પણ સરફેસ ઘસાઈ ગઈ હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી.આ રોડ ઉપર પણ સમારકામ કરવાની ફરજ પડી છે.રોડ કમિટીના ચેરમેનના કહેવા મુજબ, આ બંને રોડ ડીફેકટ લાયાબીલીટી પિરિયડમાં હોવાથી કોન્ટ્રાકટરના ખર્ચે જ બંને રોડનુ સમારકામ કરાવાયુ છે.આ બંને રોડ અંદાજિત રુપિયા ૧૭ કરોડના ખર્ચથી બનાવાયા હતા.નવા વાડજ અને રાણીપ બંને વોર્ડમાં નવા વાડજના જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર ચાર રસ્તા, રેલવે ઓવરબ્રિજ થઈને ન્યુ રાણીપ પ્રમુખ બંગલો સુધી અંદાજે બે કિલોમીટરના સિમેન્ટ રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આ એકજ કોન્ટ્રાકટર પાસે છે.કોન્ટ્રાકટરની સાથે  આર.કે.સી. નામની પી.એમ.સી.ને પણ નોટિસ અપાઈ છે.

  ગુરુકુળ વિસ્તારમાં  રુપિયા ૧૧ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર  બી.આર.ગોયેલ દ્વારા સિમેન્ટ રોડ બનાવાયો હતો.જુન-૨૦૨૩મા સિમેન્ટનો રોડવપરાશ માટે શરુ કરવામાં આવ્યા પછી પાઈપલાઈન લીકેજ થવાના કારણે રોડ બનાવાયા પછી  તેને તોડીને સમારકામ કરાવવામા આવ્યુ હતુ. .જોધપુર વિસ્તારના પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર પણ આજ કોન્ટ્રાકટર રુપિયા સાત કરોડથી વધુના ખર્ચથીસિમેન્ટ રોડ બનાવાયો હતો.કોન્ટ્રાકટરે બેદરકારી દાખવીને   ગટરના મુખ્ય ઢાંકણા ઉપર સિમેન્ટનો  રોડ બનાવી દીધો ત્યાં સુધી મ્યુનિ.તંત્રના અધિકારીઓને ખબર જ નહતી કે બનાવાયેલા સિમેન્ટના રોડ નીચે ગટરના ઢાંકણા દબાઈ ગયા છે..છ મહિના અગાઉ બનાવાયેલા  રોડ નીચે દબાયેલા  ૮  ગટરના ઢાંકણા બહાર કાઢવા  ડ્રીલીંગ કામગીરી કરી  રોડ તોડવો પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *