DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો

Latest News અપરાધ આરોગ્ય કાયદો દેશ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે મંગળવારે જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલા DRDOના ગેસ્ટ હાઉસમાંથી મેનેજરની ધરપકડ કરી. મોબાઈલની તપાસ બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે મહેન્દ્ર પ્રસાદ ISI માટે જાસૂસી કરતો હતો અને ગુપ્ત જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

32 વર્ષનો મહેન્દ્ર પ્રસાદ, મૂળ ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના પલ્યુન ગામનો રહેવાસી છે. તે DRDOના ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તેના પર ભારતની ગુપ્ત અને વ્યૂહાત્મક જાણકારી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. તે DRDOના ગેસ્ટ હાઉસમાં કરાર આધારિત કર્મચારી હતો.

સ્વતંત્રતા દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમો પહેલા, CID ઇન્ટેલિજન્સ સંભવિત રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. એવામાં જ્યારે રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે પોતાની દેખરેખ વધારી ત્યારે તેની આ ગતિવિધિ પકડાઈ હતી. જાણવા મળ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો.

મહેન્દ્ર પ્રસાદ કથિત રીતે DRDOના વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાના અધિકારીઓની ગતિવિધિઓ વિશેની સંવેદનશીલ માહિતી, તેમજ મિસાઇલો અને હથિયારોનું પરીક્ષણ જ્યાં થાય છે તે ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ આવતા-જતા અધિકારીઓની દરેક ગતિવિધિ પર તેની નજર હતી. આ માહિતી તે પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડી રહ્યો હતો, જે ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.

જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટરમાં વિવિધ ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત રીતે મહેન્દ્રની પૂછપરછ કરી. તેના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. આ વાતની પુષ્ટિ થઈ કે તે DRDO અને ભારતીય સેના સાથે સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરી રહ્યો હતો. આ પુરાવાના આધારે, 12 ઓગસ્ટના રોજ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

મહેન્દ્ર પ્રસાદને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે. CID ઇન્ટેલિજન્સ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી જાસૂસીનું આ નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કેટલા લોકો સામેલ હોઈ શકે છે તે જાણી શકાય.

ઉલ્લેખનીય છે કે અગાઉ DRDOના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર ‘ઝારા દાસગુપ્તા’ નામ વાપરતી એક પાકિસ્તાની જાસૂસ એજન્ટ તરફ આકર્ષિત થયા હતા. આરોપ છે કે તેમણે ગુપ્ત સંરક્ષણ પ્રોજેક્ટ્સ ઉપરાંત ભારતીય મિસાઈલ સિસ્ટમ્સ વિશે પણ તેની સાથે વાતચીત કરી હતી. તેમની 3 મે, 2023ના રોજ સરકારી ગુપ્તતા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *