ગુજરાતમાં ગત એસએસસીની પરીક્ષામાં 7,62,485 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તેમાં આશરે 48 ટકા એટલે કે 3,67,666 એ સંસ્કૃત વિષય રાખ્યો હતો, આમ, 52 ટકા વિદ્યાર્થીઓ તો ધો. 10માં સંસ્કૃત વિષય રાખતા નથી તો બીજી તરફ ખુદ શાસકો રાજ કરે છે તે જિલ્લા પંચાયત,મહાપાલિકા જેવી કચેરીઓમાં સંસ્કૃત કે તેના સંતાન જેવી ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજી શબ્દનો છૂટથી ઉપયોગ કરાતો રહે છે અને કાઠીયાવાડી અંગ્રેજી ઉચ્ચારો વચ્ચે અંગ્રેજી સ્કૂલો વધતી જાય છે તે સ્થિતિમાં આજે રાજકોટમાં સંસ્કૃત ગૌરવયાત્રા નીકળી હતી.
સંસ્કૃત ભારતીયના જીન્સમાં હોય તે સહજ છે. ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃતમાંથી આવી પણ નરસિંહ મહેતાના પદ કે ઝવેરચંદ મેઘાણીના લખાણ જેવી શુધ્ધ ગુજરાતી રહી નથી. તેમાં પર્સીયન,અરબી,પોર્ટુગીઝ ઉપરાંત ખાસ તો અંગ્રેજી શબ્દો બેફામ ઘુસી ગયા છે. એટલું જ નહીં, રાજકોટ જિ.પં.ના સભ્યોને કાર્યસૂચિ અપાય છે તેમાં તો કન્સ્ટ્રક્શન, સ્ટ્રેન્ધનીંગ જેવા શબ્દોનું પણ ગુજરાતી કરાતું નથી. તો મનપામાં પણ રેઝિલિયન્ટ, ગાર્બેજ ફ્રી જેવા અંગ્રેજી શબ્દો ગુજરાતી લિપિમાં વપરાય છે.
રાજ્યમાં 3,51,525 વિદ્યાર્થીઓએ એટલે કે 97 ટકાએ સંસ્કૃત પરીક્ષા પાસ કરી હતી અને તેમાં 56,104 એ તો A1 ગ્રેડ મેળવ્યો જે સ્કૂલ સંચાલકો અને સરકાર રસ લે તો વિદ્યાર્થીઓ સંસ્કૃતને અપનાવવા તૈયાર છે પરંતુ, આ દૈવી ભાષા કોલેજનું શિક્ષણ શરૂ થતા જ સાઈડમાં ધકેલાઈ જાય છે.
