યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલીસ ફરિયાદ

યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલીસ ફરિયાદ

અમદાવાદ શહેરના બાપુનગરમાં રહેતી એક કોલેજિયન યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો  છે. આશરે 3 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ તે પ્રેમ સંબંધમાં પરિણમી હતી. જો કે, યુવક અવારનવાર યુવતી પર શંકા કરતો હોવાથી યુવતીએ આ સંબંધ તોડી નાખ્યો હતો. 

સંબંધ તૂટ્યા બાદ, અગાઉ સાથે ફરવા ગયા ત્યારે પાડેલા ફોટા અને વીડિયો યુવકે યુવતીના સગા-સંબંધીઓ તેમજ મિત્રોને 8 મહિના સુધી મોકલીને તેને પરેશાન કરી હતી. એટલું જ નહીં, તાજેતરમાં આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાની અને જિંદગી બરબાદ કરવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડજમાં રહેતા આ યુવક સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર યુવતી 21 વર્ષની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. યુવતીના જણાવ્યા મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામ આઇડી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, જે એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેજ અને ફોન પર વાતચીત શરૂ થઈ હતી. પ્રેમ સંબંધ દરમિયાન બંને જ્યારે ફરવા જતા, ત્યારે યુવકે યુવતી સાથે ફોટા પાડ્યા હતા અને વીડિયો પણ બનાવ્યા હતા. સંબંધ કટ કર્યા પછી પણ યુવકની હેરાનગતિ ચાલુ રહી હતી. તેણે ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે વાત નહીં કરે અને સંબંધ નહીં રાખે, તો તારા ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ.’ યુવતીએ યુવકની માતાને પણ આ અંગે રજૂઆત કરી હતી, તેમ છતાં તે માનતો ન હતો. જેથી પરિવારે આખરે કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...