વરઘોડાના પ્રસ્થાન સાથે જ- ચાર દરવાજા વિસ્તાર જય નરહરિલાલના નાદથી ગુંજી ઉઠયો

દેવદિવાળીના પાવન અવસરે આજે વડોદરાની ઐતિહાસિક નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો ૨૮૯મો ભવ્ય વરઘોડો સાંજે ૫ વાગ્યે સાજન-મહાજન સાથે નીકળ્યો હતો. ભગવાનના જાનૈયા બનવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર ચાર દરવાજા વિસ્તારનો માહોલ ભક્તિમય બની ગયો હતો.

મંદિર ખાતે વહેલી સવારથી જ ભગવાનને ચાંદલો કરવા માટે ભાઈઓ-બહેનોની લાંબી કતારો લાગી હતી. પહેલા નાના નરસિંહજી અને ત્યારબાદ મુખ્ય મંદિરમાં ચાંદલા વિધિમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.સાંજે શ્વેત વસ્ત્રો અને ટોપીમાં સજ્જ ભક્તોએ ભગવાનની સુશોભિત પાલખી ખભે ઊંચકી ત્યારે જય નરહરિલાલદના ગગનભેદી નાદ ગુંજી ઊઠયા હતા. મકાનોની અગાસી અને ગેલેરીમાંથી ભક્તોએ વરઘોડા પર પુષ્પવર્ષા કરી હતી.

વરઘોડો રાત્રે વિઠ્ઠલનાથજી મંદિરે પહોંચ્યો હતો, જ્યાં ભગવાનને ભોગ ધરાવી પુનઃ પ્રસ્તાન કર્યું હતું. મોડી રાત્રે તુલસીવાડી ખાતે ભગવાનને પોંખવામાં આવ્યા હતા.મોડી રાત્રે વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહની વિધિ શરૃ થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે લગ્ન સંપન્ન થયા બાદ પરોઢિયે વરઘોડો નિજ મંદિરે પરત ફરશે. શહેરમાં છેલ્લા ૨૮૯ વર્ષથી નિકળતો આ ઐતિહાસિક વરઘોડા માંડવી ગેટ નીચેથી પસાર થતાં પરંપરા જળવાઇ હતી અને ભક્તોએ આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી.

આજના ઐતિહાસિક વરઘોડામાં વિવિધ દેવી-દેવતાઓની વેશભૂષામાં સજ્જ નાનાં ભૂલકાંઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. હાથમાં ત્રિશૂળ અને ડમરુ સાથે અર્ધનારેશ્વરના સ્વરૃપમાં સજ્જ બાળકીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તો બીજી તરફ ભગવા વસ્ત્રો, રુદ્રાક્ષની માળા અને ધનુષ્ય સાથે રામ, લક્ષ્મણ અને સીતાજીની ઝાંખીએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો. શણગારેલી લારીમાં વાંસળી વગાડતા કૃષ્ણ અને દાંડિયા સાથે રાધાજીના સ્વરૃપમાં બાળકો અત્યંત મનોહર લાગતાં હતાં. આ ઉપરાંત બાળ શિવ-પાર્વતીની નિર્દોષ અદાઓ નિહાળી ભક્તો મંત્રમુગ્ધ થયા હતા અને બાળકો સાથે તસવીરો ખેંચાવવા પડાપડી કરી હતી.

ભગવાન નરસિંહજીના વરઘોડાને વધાવવા માટે સમગ્ર રૃટ પર દિવાળી જેવો માહોલ જામ્યો  હતો. વરઘોડાના માર્ગ પર ઠેર-ઠેર ફટાકડાની જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. રોશનીથી ઝળહળતા ચાર દરવાજા વિસ્તારમાં સામાજિક અને ધાર્મિક સસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. પાલખી ઊંચકીને ચાલતા શ્વેત વસ્ત્રધારી ભક્તો પર ગલગોટાના ફૂલોની વર્ષા થતા અદભૂત દ્રશ્ય જોવા મળ્યું હતું. હજારોની મેદની વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં પરંપરા, આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *