ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી રાજસ્થાન પાસિંગના ટ્રકમાંથી રૂા.૪૩.૫૦ લાખના કુલ ૩૪,૮૦૦ બિયરના ટીનનો જથ્થો રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂા.૫૮,૫૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. બિયરનો જંગી જથ્થો લુધિયાણાથી મોરબી તરફ લઇ જવાતો હોવાનું ખુલ્યું છે.રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ગત રાત્રિના આશરે ૨.૪૦ વાગ્યે પીએસઆઇ વી.સી. મિયાત્રા તથા ટીમે ચોટીલાની આણંદપુર ચોકડી નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં તાલપત્રી નીચે છુપાવી રાખેલો બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકની તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ બ્રાન્ડના બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કુલ ૧,૪૫૦ બોક્સમાંથી રૂા.૪૩.૫૦ લાખની કિંમતના ૩૪,૮૦૦ ટીન મળી આવ્યા હતા.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂા.૫૮,૫૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ટ્રક ચાલક પ્રેમારામ ભવરલાલ ખોડ (રહે. હરીનગર, તા. બાલેશ્વર, જિ. જોધપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો શ્રવણ જાટ (રહે.આગોલર, તા. બાલેશ્વર, જિ.જોધપુર)ના કહેવાથી પંજાબના લુધિયાણા ટ્રાન્સપોર્ટ નગરથી ભરી આપવામાં આવ્યો હોવાનું અને મોરબી તરફ લઈ જવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. મોરબી પહોંચ્યા બાદ જથ્થો કોને સોંપવાનો હતો તે અંગે જાણ ન હોવાનું ટ્રકચાલકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ટ્રક ચાલક, શ્રવણ જાટ, ટ્રક માલિક પુખરાજ ભાખરારામ વિશ્નોઇ (રહે. ભીલોકી ઢાણી,બારાસણ, ગુડામાલાણી, રાજસ્થાન) તથા દારૂ ભરી આપનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
