28 છગ્ગા, 7 ચોગ્ગા સાથે 53 બોલમાં 204 રનનો વર્લ્ડ રેકોર્ડ

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગથી ઝંઝાવત જગાવતા ઈન્ડિયા-એ તરફથી યુએઈ સામેની રાઈઝિંગ એશિયા કપની વન ડેમાં ૨૮ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકારવા સાથે ૫૩ બોલમાં ૨૦૪ રન નોંધાવી એકથી વધુ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા હતા. વૈભવે આ ઈનિંગ દરમિયાન લિસ્ટ-એમાં ફાસ્ટેસ્ટ ૧૦૦, ૧૫૦ અને ૨૦૦ રનના કિર્તીમાન સ્થાપિત કર્યા હતા. તેણે ૩૮૪.૯૦ના સ્ટ્રાઈકરેટથી રમતમાં મેદાનની ચારે બાજુ છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો અને તેની તોફાની બેટિંગને સહારે ભારતે ૨૫૦નો ટાર્ગેટ માત્ર ૩૫.૪ ઓવર બાકી હતી, ત્યારે ત્રણ વિકેટ ગુમાવી પાર પાડયો હતો. વૈભવે ૨૮ બોલમાં સદી ફટકારતાં લિસ્ટ-એ ક્રિકેટમા ફાસ્ટેસ્ટ સદીનો ઓસ્ટ્રેલિયાના ફ્રેઝર મેકગર્કનો ૨૯ બોલનો વર્લ્ડ રેકોર્ડ તોડયો હતો.

મેકગર્કે ૨૦૨૩માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી તાસ્માનિયા સામે આ રેકોર્ડ સર્જ્યો હતો. આ પછી તેણે બીજા ૨૪ બોલમાં એટલે કે કુલ બાવન બોલમાં ૨૦૦ રન પુરા કર્યા હતા અને લિસ્ટ-એ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ ૫૧ બોલના અંતરથી તોડી નાંખ્યો હતો. અગાઉનો ૧૦૩ બોલનો વર્લ્ડ રેકોર્ડ ન્યુઝીલેન્ડના ચાડ બોવેસે સેન્ટરબરી તરફથી ઓટાગો સામે ૨૦૨૪માં જ નોંધાવ્યો હતો.૧૫ વર્ષના ભારતીય ઓપનરે લિસ્ટ-એ મેચની ૧૦૦ કે વધુ રનની ઈનિંગમાં હાઈએસ્ટ સ્ટ્રાઈકરેટનો ડિવિલિયર્સનો વર્લ્ડ રેકોર્ડ તોડયો હતો. વૈભવે ૩૮૪.૯૦ના સ્ટ્રાઈકરેટથી આ રન ફટકાર્યા હતા. ડિ વિલિયર્સે સાઉથ આફ્રિકા તરફથી વિન્ડિઝ સામે જોહનીસબર્ગ વન ડેમાં ૩૩૮.૬૩ના સ્ટ્રાઈકરેટથી રન ફટકાર્યા હતા.

વૈભવ સૂર્યવંશીના વર્લ્ડ રેકોર્ડ :

૨૮ : લિસ્ટ-એમાં ૨૮ બોલમાં ફાસ્ટેસ્ટ સદી. મેકગર્કનો ૨૯ બોલમાં સદી (સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી તાસ્માનિયા સામે, એડીલેડ, ૨૦૨૩)નો રેકોર્ડ તોડયો.
૫૨ : લિસ્ટ-એમાં બાવન બોલમાં ફાસ્ટેસ્ટ બેવડી સદી. ચાડ બોવેલનો ૧૦૩ બોલમાં બેવડી સદી (સેન્ટરબરી તરફથી ઓટાગો, ક્રાઈસ્ટચર્ચ, ૨૦૨૪)નો રેકોર્ડ તોડયો.
૨૮ : પ્રોફેશનલ ક્રિકેટની ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા. તન્મય અગ્રવાલનો ૨૬ છગ્ગાનો (હૈદરાબાદ તરફથી અરૂણાચલ સામે, હૈદરાબાદ, ૨૦૨૪, રણજી મેચમાં) રેકોર્ડ તોડયો.
૩૮૪.૯૦ : લિસ્ટ-એમાં ૧૦૦થી વધુ રનની ઈનિંગમાં સર્વોચ્ચ સ્ટ્રાઈકરેટનો રેકોર્ડ. ડિ વિલિયર્સનો ૩૩૮.૬૩ (સાઉથ આફ્રિકા તરફથી વિન્ડિઝ સામે, જોહનીસબર્ગ, ૨૦૧૫)નો રેકોર્ડ તોડયો.
૪૦ : લિસ્ટ-એમાં ફાસ્ટેસ્ટ ૧૫૦ રનનો વર્લ્ડ રેકોર્ડ. અગાઉનો ૫૯ બોલ ૧૫૦ રન (બિહાર તરફથી વિ. અરુણાચલ, ૨૦૨૫) પુરા કરવાનો રેકોર્ડ પણ વૈભવના નામે હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *