સાચે જ મળ્યો ‘અલાદીનનો ચિરાગ’, ભાગ્યએ રાતોરાત પલટી મારતાં કરોડપતિ બની!

અલ્લાદીનના ચિરાગની વાર્તા વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે એક જ પળમાં પોતાના માલિકની કિસ્મત બદલી નાખતો હતો. કંઈક આવું જ ઉત્તર ફ્રાન્સની એક મહિલા સાથે હકીકતમાં બન્યું છે. એક જુના લેમ્પે મહિલાની કિસ્મત બદલીને તેને કરોડપતિ બનાવી દીધી છે. મહિલાએ આ જુના લેમ્પને એક બજારમાંથી માત્ર 20 યુરો (અંદાજે 2,000 ભારતીય રૂપિયા)માં ખરીદ્યો હતો. સમય જતાં આ જ લેમ્પથી તેને 2,51,000 યુરો એટલે કે લગભગ 2.63 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

ઉત્તર ફ્રાન્સની એક મહિલાએ જૂની વસ્તુઓની બજારમાં ખાસ બનાવટનો એક લેમ્પ જોયો જે તેને તે પસંદ આવ્યો. તેણે તે લેમ્પ 20 યુરોમાં ખરીદી લીધો અને ઘરે લઈ આવી. એક અહેવાલ પ્રમાણે, આ લેમ્પને મહિલાના ઘરની તિજોરીમાં મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ દરમિયાન આ લેમ્પ મહિલાની દીકરીના હાથમાં આવ્યો હતો.

લેમ્પ પર કોતરેલું હતું ખાસ નામ

યુવતીએ જ્યારે આ લેમ્પને ધ્યાનથી જોયો તો તેને ખબર પડી કે તેના તળિયે ‘જોર્જેસ જૂવે’ (1910–1964)નું નામ કોતરેલું છે. જેઓ યુદ્ધ પછીના સમયગાળામાં ફ્રાન્સના સૌથી અગ્રણી સિરેમિક કલાકારોમાંથી એક હતા. યુવતી તરત જ સમજી ગઈ કે આ કલાત્મક પીસ જૂવેના પોતાના હાથે બનાવવામાં આવેલો છે. આથી તેણે જૂવેની કલા પર કામ કરતા પેરિસના ઓક્શન હાઉસ ‘NEO Encheres’નો સંપર્ક કરીને આ અંગે માહિતી આપી.

નિલામી ઘર દ્વારા આ લેમ્પની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી અને એ વાત સાબિત થઈ કે આ સાચે જ જૂવે દ્વારા જ બનાવવામાં આવેલી એક અદ્ભુત કલાકૃતિ છે. સિરામિકથી બનેલી વસ્તુ નાજુક હોવાને કારણે સમયની સાથે તૂટી જતી હોય છે, પરંતુ આ લેમ્પ ખૂબ જ સારી હાલતમાં સચવાયેલો હતો. આ બાબતે તેને વધુ આકર્ષક બનાવી દીધો. આ કલાકૃતિની હરાજી 29 ઓક્ટોબરે યોજાઈ હતી, અને તેની બોલી નિષ્ણાંતોએ ધારેલી અપેક્ષિત કિંમત કરતાં પણ ક્યાંયી ઉપર પહોંચી ગઈ હતી.

નિલામી ઘરના જણાવ્યા અનુસાર, “અમને ચોક્કસપણે એ નથી ખબર કે જોર્જેસ જૂવેએ આ મોડેલના કેટલા લેમ્પ બનાવ્યા હશે, પરંતુ એ વાત એકદમ નક્કી છે કે આ ખૂબ જ દુર્લભ છે. આવા લેમ્પ વારંવાર જોવા મળતા નથી.”

લેમ્પ માટે લાગી ઊંચી બોલી

આ અદ્ભુત લેમ્પે પ્રાચીન વસ્તુઓ સંગ્રહ કરનારાઓમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. ઘણા ખરીદદારોએ તેને મેળવવા માટે ઊંચી બોલી લગાવી હતી. છેલ્લે બે યુરોપિયન ખરીદદારો વચ્ચે આ લેમ્પને ખરીદવા માટે ભારે રસાકસી જામી હતી. જોકે છેલ્લી બોલી 2,51,000 યુરોની લાગી. આ જોર્જેસ જૂવેના અત્યારસુધીના કોઈપણ લેમ્પ માટે લાગેલી રેકોર્ડબ્રેક બોલી છે.

આ લેમ્પની જે ઊંચી કિંમત ઉપજી, તે મહિલા દ્વારા આ લેમ્પ માટે ચૂકવવામાં આવેલી મૂળ કિંમત કરતાં 12,000 ગણી વધારે હતી. જૂના માર્કેટમાંથી અચાનક મળી આવેલા આ લેમ્પ અને તેની હરાજીમાં લાગેલી રેકોર્ડબ્રેક કિંમતની ચર્ચા હાલ ચારેય બાજુ થઈ રહી છે. ખરેખર, આ ચમત્કારી લેમ્પે મહિલાની કિસ્મત રાતોરાત બદલી નાખી છે અને તેને એક મોટી ધનરાશિ અપાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *