નવી દિલ્હી, મેસેજિંગ એપ વોટ્સએપ પર યુઝર્સ માટે ફોટો અને વીડિયો શેરિંગ પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં નવું કદમ ઉઠાવવામાં આવ્યું છે. અત્યાર સુધી યુઝર્સે કોઈને મીડિયા ફાઇલ મોકલવા માટે ચેટમાંથી ગેલેરીમાં જવું પડતું હતું. પરંતુ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયા અત્યંત સુગમ બની જશે. વોટ્સએપ એક નવા ‘Recent Media Suggestions’ ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી સ્માર્ટફોનમાં તાજેતરમાં સેવ કરાયેલા ફોટો અને વીડિયો સીધા જ ચેટ સ્ક્રીન પર નજરે પડશે.
‘WABetaInfo’ ના રિપોર્ટ અનુસાર, આ ફીચર ફોનની ગેલેરીમાં તાજેતરમાં સેવ કે ડાઉનલોડ થયેલા ફોટો-વીડિયોના થંબનેલ સુચન (સજેશન) રૂપે ચેટ સ્ક્રીન પર જ દર્શાવશે. આ ફીચરની ચકાસણી હાલ બે અલગ-અલગ ડિઝાઇનમાં થઈ રહી છે. પ્રથમ ડિઝાઇનમાં ચેટ બોક્સની બિલકુલ ઉપર તાજેતરના મીડિયાનો થંબનેલ દેખાશે, જ્યારે બીજી ડિઝાઇનમાં ચેટ બારમાં રહેલા કેમેરા આઇકનની જગ્યાએ થોડા સમય માટે આ સજેશન દર્શાવવામાં આવશે.
મહત્વની બાબત એ છે કે વોટ્સએપ યુઝરની પરવાનગી વગર આપમેળે કોઈ ફોટો કે વીડિયો સેન્ડ કરશે નહીં. યુઝર સજેશન પર ટેપ કરશે એટલે મીડિયા ફાઇલ વોટ્સએપ એડિટરમાં ખુલશે, જ્યાં કેપ્શન અથવા સ્ટીકર ઉમેરીને યુઝરે પોતે જ ‘સેન્ડ’ બટન દબાવવાનું રહેશે. આ ફીચરમાં કેમેરાથી પાડેલા ફોટા ઉપરાંત સ્ક્રીનશોટ, ઇન્ટરનેટથી ડાઉનલોડ કરેલા અથવા અન્ય એપ્સમાંથી સેવ કરેલા વીડિયો પણ સજેશન તરીકે દેખાશે.
જો કોઈ યુઝર આ સજેશન્સ બંધ કરવા માંગતા હોય તો તે સરળતાથી સેટિંગ્સ બદલી શકશે. આ માટે વોટ્સએપના Settings માં જઈ Chats સેક્શનમાં રહેલા Recent Media Suggestions વિકલ્પને ડિસેબલ કરવાનો રહેશે. હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ અને iOS ના પસંદગીના બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
