સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પીળા અને દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે હવે પુણાગામ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા ચાર મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જે પાણી આવે છે તે પણ દૂષિત હોવાની ફરિયાદો છતાં પાલિકા દ્વારા નક્કર ઉકેલ નહીં આવતાં મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત્ રહેતાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ ખાલી ડોલ, ટબ અને બેડાં લઈને રસ્તા પર ઊતરી હતી. વાસણો ખખડાવીને પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરનારી મહિલાઓએ હવે પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ઝોન ઓફિસ ખાતે માટલા ફોડીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ છે. સોસાયટીમાં પાણીનો પુરવઠો પૂરતા પ્રેશરથી નહીં મળવાને કારણે રોજિંદા વપરાશ માટે પણ મુશ્કેલી પડી રહી છે. તેમાં પણ જે પાણી મળે છે તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થતાં મહિલાઓની હાલાકી વધી છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ પાણીની સમસ્યા અંગે પાલિકાના તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે આજે મહિલાઓએ રસ્તા પર ઊતરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ વિરોધ પ્રદર્શન અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાએ પણ માહિતી આપી હતી. મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે આગામી દિવસોમાં પાણીનો પૂરતો અને શુદ્ધ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો પાલિકાની ઝોન ઓફિસ ખાતે માટલા ફોડીને વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
શહેરમાં પાણીની ગુણવત્તા અંગે ઊઠતી ફરિયાદો વચ્ચે પુણાગામની આ ઘટનાએ પાણી પુરવઠાની વ્યવસ્થા સામે વધુ એક સવાલ ઊભો કર્યો છે. હવે પાલિકા તંત્ર મહિલાઓની ફરિયાદનો કેટલો ઝડપથી નિકાલ કરે છે તેના પર સ્થાનિક રહીશોની નજર છે.
