ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાના નિયમોને કડક રીતે અમલમાં મૂકવાની સૂચના આપી છે. રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ટ્રેનના ડબ્બાઓમાં રાત્રે 11:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ ફરજિયાતપણે બંધ રાખવામાં આવે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં ન આવે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
રેલ્વે બોર્ડે સંબંધિત ઓનબોર્ડ સ્ટાફ અને કર્મચારીઓને નિર્ધારિત સમયે ચાર્જિંગ પોઇન્ટ બંધ કરવાના કડક આદેશ આપ્યા છે. આ નિયમનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે અધિકારીઓ અને સુપરવાઈઝરોને ટ્રેનોમાં અચાનક (સરપ્રાઈઝ) તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમ પાલનમાં કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રેલ્વેએ મુસાફરોને પણ સલાહ આપી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા જ પોતાના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરી લે.
