નસવાડીના 50થી વધુ ગામોમાં વરસાદ ખેંચાતાં 4 હજાર હેક્ટરમાં પાક સુકાયો, ગ્રાઉન્ડ ઝીરો સર્વેની માંગ

નસવાડીના 50થી વધુ ગામોમાં વરસાદ ખેંચાતાં 4 હજાર હેક્ટરમાં પાક સુકાયો, ગ્રાઉન્ડ ઝીરો સર્વેની માંગ

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા 50થી વધુ ગામોમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મકાઈ, તુવેર અને કપાસના છોડ સુકાવા લાગતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંદાજિત 4 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ની એકજ માંગ સરકાર અમારી તરફ ધ્યાન આપે.

નસવાડી તાલુકાનો મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી રહી હતી, જેથી ખેડૂતોએ મોટા પ્રમાણમાં મકાઈ, તુવેર અને કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદે ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. અને ઉત્પાદન નહીંવત્ થવાની ભીતિ છે.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામડાઓ નર્મદા નદીની નજીક હોવા છતાં આ ડુંગર વિસ્તારના ગામોમાં આજદિન સુધી સિંચાઈની કોઈ સુવિધા પહોંચી નથી. નર્મદા કેનાલનું પાણી હજુ આ વિસ્તાર સુધી પહોંચ્યું નથી, જેના કારણે ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ પર જ આધાર રાખે છે. વરસાદ ખેંચાતા જ તેમની મહેનત પર પાણી ફરી વળે છે.

આ પરિસ્થિતિમાં તાલુકાના કુપ્પા, પીપળવાળી, ડબ્બા, ખેંદા, છોટીઉંમર, સાંકડીબારી, જેવા 50થી વધુ ગામના ખેડૂતોને પાકનું મોટું નુકસાન થયું છે. હવે છોડનો વિકાસ જ નથી તો ખેતીમાં નીકળશે શું? ત્યારે છોટા ઉદેપુર જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોના ખેતરોમાં જઈ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરી, સર્વે કરી નુકસાનનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ અને ખેડૂતોને આર્થિક સહાય, સિંચાઈની સુવિધા માટે દરખાસ્ત કરવી જોઈએ તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...