1.30 લાખની સામે 7 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરનો ત્રાસ

1.30 લાખની સામે 7 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરનો ત્રાસ

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ગાજરાવાડી સુએઝ પંપ નજીક, વિશ્વકર્માનગર ખાતે રહેતા અને લાકડાનો વેપાર કરતા રાજુભાઈ રમેશભાઈ સોનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,છેલ્લા દશેક વર્ષથી કરીયાણાની દુકાન ચલાવતો હતો ત્યારથી અલ્લુ શાહ મારી સાથે પરિચયમાં હતો. ઓક્ટોબર 2025માં મારે નાણાંની જરૂરિયાત ઊભી થતાં મેં તેની પાસે મદદ માગી હતી. લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા અલ્લુ શાહે કોઈને ન કહેવાની શરતે મને ટુકડે-ટુકડે કુલ રૂ.1,30,000 વ્યાજે આપ્યા હતા. બદલામાં તેણે સિક્યોરિટી પેટે મારો કોટક બેંકનો સહી કરેલો કોરો ચેક પડાવી લીધો હતો.

ત્યારબાદ અલ્લુએ મારી પાસેથી દૈનિક રૂ.2,600નું ઊંચક વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. જો એકાદ-બે દિવસ પૈસા આપવામાં મોડું થાય, તો વધારાના રૂ.400થી 600 દંડ પેટે પડાવતો હતો. હું ગુગલ-પે દ્વારા નિયમિત પૈસા મોકલતો હતો. અત્યાર સુધીમાં મેં તેને આશરે રૂ.7,02,000 વ્યાજ પેટે ચુકવી દીધા હોવા છતાં, તેણે મૂળ રકમમાંથી એક રૂપિયો પણ ઓછો કર્યો ન હતો.

જ્યારે મેં હિસાબ માગ્યો, ત્યારે તેણે મારી અને મારા પરિવાર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, તેણે મારી પત્નીને પણ ફોન કરીને અમારી દીકરીનું અપહરણ કરી લેવાની અને કોરો ચેક બાઉન્સ કરાવી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...