દારૂના વધુ પડતા સેવનથી પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ, સિવિલમાં 6 વર્ષમાં 100થી વધુ કેસ

દારૂના વધુ પડતા સેવનથી પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ, સિવિલમાં 6 વર્ષમાં 100થી વધુ કેસ

સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓનો જ રોગ મનાય છે, પરંતુ આ ભ્રમણા હવે ભાંગી રહી છે. આશ્ચર્યજનક રીતે, પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર દસ્તક દઈ શકે છે. તબીબી વિજ્ઞાન મુજબ, આ કેન્સર દુર્લભ છે પણ શરીરમાં બ્રેસ્ટ ટિશ્યુઝ હોવાથી કેન્સરના કોષ અનિયંત્રિત રીતે વધવાની સંભાવના રહે છે. આપણી ખરાબ જીવનશૈલી આ જોખમને અનેકગણું વધારે છે. જેના માટે દારૂ અને મેદસ્વીપણું મુખ્યત્વે જવાબદાર છે.

તાજેતરમાં જ અમદાવાદના 45 વર્ષીય એક વેપારીની છાતીના ભાગમાં અચાનક પીડારહિત સખત ગાંઠ દેખાઈ હતી. પ્રાથમિક તબક્કે તેને સામાન્ય સોજો ગણીને નજરઅંદાજ કરાયા બાદ, તબીબી તપાસ દરમિયાન બ્રેસ્ટ કેન્સરનું પહેલો તબક્કાનું નિદાન થયું હતું. અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે છેલ્લા 6 વર્ષમાં જ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના 104 કેસ નોંધાયા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવા પાછળ અતિશય દારૂનું સેવન એક મોટું કારણ છે. આલ્કોહોલને કારણે લિવર નબળું પડે છે, જેથી શરીરમાં ‘એસ્ટ્રોજન’નું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત સ્થૂળતા, આનુવંશિક કારણો, વધતી ઉંમરથી પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે. તબીબોના મતે પુરુષોમાં સ્તનના કોષો ઓછા પ્રમાણમાં હોવાથી કેન્સર શરીરના અન્ય ભાગમાં ઝડપથી ફેલાવવાની શક્યતા રહે છે. જેના કારણે છાતીના ભાગમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક કેન્સર નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

પીડારહિત સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર, રૂઝ નહીં આવતી ચાંદી જેવા લક્ષણોને અવગણવા જોખમી પુરવાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સરના ૬ વર્ષમાં કુલવ ૭૯૨૦ કેસ નોંધાયા છે. જેમાં ૫૩.૧૮ ટકા ૫૦થી વધુ, ૩૦.૫૨ ટકા કેસ ૪૦થી ૫૦ની વયજૂથમાં હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...