અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સરકડિયા ગામે વન્યપ્રાણીના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી વાડીમાં રાત્રિના સમયે સૂઈ રહેલા એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, હિંમત અને સાહસ દાખવીને ખેડૂતે પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રહેલા બાલા ભુવાને પ્રાથમિક સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને અમરેલી રીફર કરવામાં આવ્યા છે.
બીજી તરફ, આ બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ પણ હરકતમાં આવી ગઈ હતી. વનવિભાગ દ્વારા વાડી વિસ્તારમાં પહોંચીને દીપડાની અવરજવર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
