ખાંભાના મોટા સરકડિયામાં વાડીમાં સૂતેલા ખેડૂત પર દીપડાનો હુમલો, સામનો કરી જીવ બચાવ્યો

ખાંભાના મોટા સરકડિયામાં વાડીમાં સૂતેલા ખેડૂત પર દીપડાનો હુમલો, સામનો કરી જીવ બચાવ્યો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સરકડિયા ગામે વન્યપ્રાણીના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી વાડીમાં રાત્રિના સમયે સૂઈ રહેલા એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, હિંમત અને સાહસ દાખવીને ખેડૂતે પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર, મોટા સરકડિયા ગામના ખેડૂત બાલા ભુવા વાડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ત્યાં આવી ચડેલા દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. દીપડાના અચાનક હુમલાથી ગભરાઈ જવાના બદલે બાલાએ ડર્યા વગર તેનો પ્રતિકાર કર્યો હતો. ખેડૂતના આત્મવિશ્વાસ અને સામનો કરવાના કારણે દીપડો ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ આ હુમલામાં દીપડાના નખ કે દાંત વાગવાથી બાલા ભુવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રહેલા બાલા ભુવાને પ્રાથમિક સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને અમરેલી રીફર કરવામાં આવ્યા છે.

બીજી તરફ, આ બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ પણ હરકતમાં આવી ગઈ હતી. વનવિભાગ દ્વારા વાડી વિસ્તારમાં પહોંચીને દીપડાની અવરજવર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...