હાથી ગાંડોતૂર થતાં 650 કિલોની ચાંદીની અંબાડી નીચે પટકાઈ, ભારે ભાગદોડનો વીડિયો વાઈરલ

હાથી ગાંડોતૂર થતાં 650 કિલોની ચાંદીની અંબાડી નીચે પટકાઈ, ભારે ભાગદોડનો વીડિયો વાઈરલ

કર્ણાટકના શિવમોગ્ગામાં દશેરાના સરઘસ દરમિયાન સોમનન્ના નામનો હાથી બેકાબૂ થઈ જતાં અફરાતફરી મચી હતી. હાથીની પીઠ પર આશરે 650 કિલો વજનની ચાંદીની અંબાડી મૂકવામાં આવી હતી. હાથી અચાનક ઉશ્કેરાઈને રસ્તાઓ પર દોડવા લાગતાં વાહનો અને ઇમારતોને નુકસાન થયું હતું. પોતાનો જીવ બચાવવા લોકો આમતેમ દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

દશેરાના સરઘસ દરમિયાન સોમનન્ના અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને રસ્તાઓ પર આગળ વધવા લાગ્યો હતો. આ દરમિયાન તેની પીઠ પર મૂકેલી અંબાડી નીચે પડી ગઈ હતી. અંબાડી એટલે ધાર્મિક અને પરંપરાગત સરઘસમાં હાથીની પીઠ પર મૂકવામાં આવતું સુશોભિત આસન. હાથીને કાબૂમાં લેવા પશુચિકિત્સકોએ તેને બેભાન કરવાની દવા આપી હતી. બીજી તરફ, ગભરાયેલા લોકોની ભીડને સંભાળવા પોલીસે પ્રયાસો કર્યા હતા.

ઘટનાને પગલે કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ વન વિભાગના અધિકારીઓ પાસેથી સમગ્ર બનાવની વિગતો માગી હતી. તેમણે આવી ઘટના ફરી ન બને તે માટે સાવચેતીનાં પગલાં લેવા આદેશ આપ્યો હતો. રેડ્ડીએ જણાવ્યું કે આવતા વર્ષથી જંબૂ સવારીમાં ભાગ લેનારા હાથીઓને ઓછામાં ઓછા 20 દિવસથી એક મહિના સુધી તાલીમ આપવી જોઈએ. મોટા મેળાવડામાં ભાગ લેતાં પહેલાં અનુભવી મહાવતો દ્વારા હાથીઓને તૈયાર કરવામાં આવે તે પણ તેમણે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. દશેરા કર્ણાટકનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર દેવી ચામુંડેશ્વરીએ રાક્ષસ મહિષાસુર પર મેળવેલા વિજયની યાદમાં ઉજવાય છે. મૈસૂરમાં યોજાતી જંબૂ સવારી તેની સૌથી જાણીતી ઉજવણી છે, જેમાં વિજયાદશમીના દિવસે હાથીની પીઠ પર સોનાની અંબાડી મૂકવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...