9 દૂધ મંડળીને તાળાં લાગ્યા, અધધ 90 લાખ લિટર દૂધ ઘટયું

9 દૂધ મંડળીને તાળાં લાગ્યા, અધધ 90 લાખ લિટર દૂધ ઘટયું

એક તરફ ચોમાસું નબળું રહેતા દૂષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પશુપાલન અને દૂધ સહકારી ક્ષેત્રના બે વર્ષના હિસાબ-કિતાબ ચિંતાજનક રહ્યા છે. ગામડાં સુધી દૂધ ખરીદીનું સહકારી માળખું વિસ્તર્યું છે, પણ 9 દૂધ મંડળીઓને તાળાં લાગ્યા છે તો 4 નવી મંડળીઓ ચાલુ થઈ છે. તેની સામે દૂધ ભરતા 5,989 સભ્યો તૂટયા છે અને કુલ દૂધ સંકલન પણ અધધ 90 લાખ લિટરથી વધારે ઘટયું છે. એટલે કે, અસલી દૂધની અછત વર્તાઈ છે, તો બનાવટી દૂધની નદીઓ વહે છે.

વર્ષ 2024-25માં રાજકોટ જિલ્લામાં 532 દૂધ સહકારી મંડળીઓ હતી અને તેમાં 42,306 સભ્યો દૂધ ભરતા હતા. વર્ષ 2025-26માં મંડળીઓની સંખ્યા 527 થઈ, અને દૂધ ભરતા સભ્યો ઘટીને 36,317 રહ્યા. એટલે મંડળીઓમાં ૫ાંચનો ઘટાડો થયો, જ્યારે સક્રિય દૂધ ભરતા સભ્યોમાં 5,989નો ઘટાડો થયો. આની સીધી અસર દૂધ સંકલન પર પડી. 2024-25માં 14.31 કરોડ લિટર દૂધ એકત્રિત થયું હતું, જે 2025-26માં ઘટીને આશરે 13.40 કરોડ લિટર થયું.

એટલે એક વર્ષમાં 90.72 લાખ લિટર દૂધ ઓછું એકત્રિત થયું હતું. સમગ્ર રાજકોટ જિલ્લાની સ્થિતિ એકસરખી નથી. વિંછીયા સૌથી મોટું દૂધ સહકારી કેન્દ્ર બનીને સામે આવે છે. અહીં મંડળીઓ બે મંડળીઓ વધી અને દૂધ ભરતા સભ્યો પણ 6,132થી વધીને 8,597 થયા. એટલે નવા માળખા સાથે પશુપાલકોની ભાગીદારી પણ વધી છે. જસદણમાં બીજી રસપ્રદ સ્થિતિ છે. અહીં મંડળીઓ 97થી ઘટીને 93 થઈ, છતાં દૂધ ભરતા સભ્યો 6,939થી વધીને 8,531 થયા. એટલે મંડળીની સંખ્યા ઓછી થવી એ હંમેશા પશુપાલન ઘટયું હોવાનો આધાર નથી.

બીજી તરફ ગોંડલમાં મંડળીઓ 52થી 53 થઈ હોવા છતાં દૂધ ભરતા સભ્યો 6,404થી ઘટીને 3,132 થયા છે. જામકંડોરણામાં પણ સભ્યો 3,322થી ઘટીને 2,336 થયા છે. ધોરાજીમાં આ ઘટાડો વધુ તીવ્ર છે. સભ્યો 1,682થી ઘટીને માત્ર 958 રહ્યા છે. આથી હવે માત્ર કેટલી મંડળીઓ છે તેના બદલે કેટલી મંડળીઓમાં ખરેખર દૂધ ભરાય છે અને કેટલા પશુપાલકો સક્રિય છે, તેનો હિસાબ માંડવાનો સમય આવ્યો છે.

રાજકોટ ડેરી તરફથી 2025-26માં દૂધ સંપાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ પશુઓના વિયાણના સમયચક્રમાં ફેરફાર હોવાનું જણાવાયું છે. એટલે દૂધમાં ઘટાડાને માત્ર પશુપાલકોની સંખ્યા ઘટી હોવાનું માનવું પણ યોગ્ય નથી. જો કે અન્ય કારણોમાં પશુપાલનમાં વધતો જતો ખર્ચ, પશુઓની ઘટતી સંખ્યા, ચારા-પાણીની સમસ્યા, દૂધના ભાવ સામે ખર્ચ, ખાનગી ડેરીઓની ખરીદી પણ નોંધનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...