ગુજરાતમાં ચાલુ વર્ષે નબળું ચોમાસું વિધિવત વિદાય લઈ ગયું છે અને હવે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી, ત્યારે રાજ્ય પર જળસંકટની ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કારણ કે, રાજ્યના અનેક ડેમમાં પૂરતું પાણી આવ્યું નથી. અત્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 ડેમમાં કુલ ક્ષમતાના 69.56 ટકા પાણી જ ઉપલબ્ધ છે. આ પૈકી ફક્ત 23 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 78 ડેમ એવા છે જેમાં 25 ટકા પણ પાણી નથી. આવી સ્થિતિમાં દિવાળી બાદ જળ વ્યવસ્થાપનમાં સરકારી તંત્રની ખરી અગ્નિપરીક્ષા થશે.
અન્ય નાના-મોટા ડેમોની સરખામણીએ સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ ઘણી સારી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને તેમાં 3,34,080 એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે આવનારા સમયમાં રાજ્ય માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.
રાજ્યમાં વરસાદની સ્થિતિ પણ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114.23 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 89.67 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા વરસાદ થયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં 71.43 ટકા અને કચ્છમાં માત્ર 57.60 ટકા જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં ખાસ કરીને ધીમીધારે વરસાદ થયો હોવાથી જળાશયો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી શક્યું નથી.
