છોટા ઉદેપુરમાં ભાજપના નેતા સંગ્રામ રાઠવા અધિકારીઓ પર લાલઘૂમ!

છોટા ઉદેપુરમાં ભાજપના નેતા સંગ્રામ રાઠવા અધિકારીઓ પર લાલઘૂમ!

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલા ભારજા નદીના બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તેમજ જિલ્લાના વિવિધ માર્ગો પર પડેલા બિસ્માર ખાડાઓની સમસ્યાને લઈને ભાજપ નેતા સંગ્રામ રાઠવાએ વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નેશનલ હાઈવે 56 સહિતના માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી હોવાથી તેણે અધિકારીઓ સમક્ષ તાકીદે કામગીરી કરવા રજૂઆત કરી હતી.

ભાજપ નેતા સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે, ‘ભારજા નદી પરના બ્રિજના ડાયવર્ઝન માટે અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો માર્ગ પણ ચોમાસાના વરસાદમાં ધોવાઈ ગયો છે. ડાયવર્ઝનની મરામત તેમજ બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવા નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓને રજૂઆત કરાતાં, અધિકારીઓએ આગામી જાન્યુઆરી મહિના સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આ માર્ગ પાવી જેતપુર, છોટા ઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતો મુખ્ય માર્ગ હોવાથી તેનું ત્વરિત નિરાકરણ અનિવાર્ય છે.’

રસ્તા પરના ખાડા અને લોકોની હાલાકી મુદ્દે સંગ્રામ રાઠવાએ અધિકારીઓ સામે આકરા શબ્દોમાં રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ‘જો અધિકારીઓના કાન બહેરા હોય તો કાન ખોલવા પડે તો પણ અમે તૈયાર છીએ. મારી જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો હું અડધી રાત્રે, ત્રણ વાગ્યે પણ લોકો વચ્ચે આવીને ઊભો રહીશ.’

ઉલ્લેખનીય છેકે, છોટા ઉદેપુર જિલ્લામાં પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને સ્વપક્ષના જ નેતાએ અધિકારીઓ સામે આક્રમક રૂખ અપનાવતાં, બેદરકારી દાખવતા અધિકારીઓ સામે આવનારા દિવસોમાં વધુ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...