અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં ઉત્તર પ્રદેશના 38 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક જામનગરથી પોતાના વતન જવા નીકળ્યો હતો, પરંતુ આર્થિક મૂંઝવણ અને માનસિક તણાવ વચ્ચે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છેકે, સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે? પોલીસ પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.
પોલીસના જણાવ્યાનુસાર, મૃતક યુવકની ઓળખ રાજુ રામનક્ષત્રા જાટવ (ઉં.38, મૂળ ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. તે જામનગરમાં રોજીરોટી અર્થે રહેતા હતા અને ત્યાંથી વતન ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા. આગળની મુસાફરી માટે નાણાં ન હોવાથી અને પગાર અંગેની મૂંઝવણ હોવાથી તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. જેને પગલે શહેર કોટડા પોલીસની ટીમ તેને સલામત રીતે પોલીસ સ્ટેશને લઈ આવી હતી.
પોલીસે યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓનો સંપર્ક કરતા તેમણે સવારે નાણાં મોકલવાની ખાતરી આપી હતી. તે સમયે મોડી રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી પોલીસે યુવકને સવાર સુધી પોલીસ સ્ટેશનમાં જ રોકાઈને આરામ કરવા જણાવ્યું હતું. જોકે, મોડી રાત્રે કોઈની નજર ન પડે તેમ યુવક નીચે આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં ગયો હતો અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યાં નાગરિકો રક્ષણ અને ન્યાય માટે પહોંચે છે તેવા પોલીસ સ્ટેશન પરિસરની અંદર જ યુવકે આપઘાત કરી લેતાં સુરક્ષા અને વોચ બાબતે પણ પ્રશ્નો સર્જાયા છે. શું તેના રહસ્યમય મિત્રની પૂછપરછ બાદ રાજુના તણાવનું સાચું કારણ બહાર આવી શકશે?
