જૂલાઈ મહિનામાં સાર્વત્રિક અને સારો વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ ખેંચાણ કરતા સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. વરસાદના બીજા રાઉન્ડની લાંબી રાહ જોયા બાદ હવે જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. આગામી એક સપ્તાહ સુધી પણ ભારે વરસાદની કોઈ આશા ન હોવાથી ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
કૂવાના તળિયા દેખાયા, મગફળી-કપાસના પાક જોખમમાં
જૂનાગઢ જિલ્લાના અજાબ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળતા અહેવાલો મુજબ, હાલમાં મગફળીનો પાક ખેતરોમાં લીલોછમ દેખાઈ રહ્યો છે, પરંતુ આ હરિયાળી પાછળ ખેડૂતોની રાત-દિવસની મહેનત છુપાયેલી છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ન હોવાને કારણે ખેડૂતો કૂવા અને બોરના પાણીથી પાકને પિયત આપીને જેમ-તેમ કરીને બચાવી રહ્યા છે. જો કે, સતત ખેંચાણના કારણે હવે કૂવાના તળિયા દેખાવા લાગ્યા છે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે.
એક તરફ કુદરત રૂઠી છે, તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી ખેડૂતોની કમર તોડી રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, પાકને બચાવવા જ્યારે વીજળીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ વીજ કંપની દ્વારા વારંવાર પાવર કટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વોલ્ટેજ ની ગંભીર સમસ્યાને કારણે મોટરો બળી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે ખેડૂતો માટે ‘પડતા પર પાટું’ સમાન સાબિત થઈ રહ્યા છે.
