ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે શહેરના જુદા જુદા તળાવોમાં શહેરીજનો દ્વારા મૂતઓનું વિસર્જન કરવામાં આવે છે. જે અન્વયે ભાવનગર શહેરમાં આવેલા તળાવોમાં કોઈ અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે તથા જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી શહેરમાં આવેલ તમામ વોટર બોડીમાં આ સમયગાળા દરમિયાન મૂતઓના વિસર્જન કરવા અંગે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે.
ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે જાહેરનામુ બહાર પાડતા જણાવેલ છે કે, આગામી તા. ૧૪ થી તા. ૨૫ સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે ભાવનગર શહેરમાં આવેલ ૧૭ તળાવ (વોટર બોડી)માં તમામ પ્રકારની મૂતઓના વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે, જેમાં ગૌરીશંકર તળાવ (બોરતળાવ), ખોડીયાર તળાવ-રાજપરા, હજુરિયા તળાવ-નવા બંદર રોડ, પૂર્ણા તળાવ-નવા બંદર રોડ,અકવાડા મેઈન તળાવ-ઘોઘા રોડ, જત તળાવ-૧- અકવાડા, જત તળાવ-૨- અકવાડા, માલેશ્રી રીવર ચેકડેમ-ઘોઘા રોડ, નારી તળાવ-અમદાવાદ રોડ, નારી-કરદેજ રોડ તળાવ, તરસમીયા તળાવ-તરસમીયા ગામ, જાળિયું તળાવ-સીદસર, ટબુડી તળાવ- હિલપાર્ક અધેવાડા રોડ, ઝાંઝરિયા તળાવ-અધેવાડા, રૃવાપરી તળાવ-રૃવાપરી મંદિર, ફૂલઝરિયા તળાવ-અધેવાડા, ગંગાજળીયા તળાવ-રૃપમ ચોક વગેેરે તળાવનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દશામાંની ઘણી મૂર્તિઓ બોરતળાવમાં પધારાવવામાં આવી હતી તેથી મહાપાલિકાએ સફાઈ કામગીરી કરવી પડી હતી. પાણી પ્રદુષીત ન થાય તે માટે મહાપાલિકાએ નિર્ણય કર્યો હોવાનુ જાણવા મળેલ છે.
