સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે નવા-નવા આયોજનો થઈ રહ્યાં છે. આ દરમિયાન ઠગાઈનો ભોગ બનેલાં લોકોને મોટી નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. વર્ષ 2023-24થી 2025-26 સુધીના ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી 3707 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. તેમાંથી માંડ 97 કરોડ રૂપિયા જ લોકોને પાછા મળ્યાં છે. નેટ બેન્કિંગ અને કાર્ડસથી છેતરપિંડીના ગુનામાં ત્રણ ટકાથી ઓછી રકમની રિકવરી થવા પામી છે.
છેતરપિંડીથી લોકોએ ગુમાવેલી રકમમાં વિતેલા ત્રણ વર્ષમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં લોકોએ 986 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તેમાં 30 ટકાના ધરખમ વધારા સાથે લોકોએ વર્ષ 2024-25માં 1286 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. 11 ટકાના વધારા સાથે વર્ષ 2025-26માં આ આંકડો 1435 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આમ, વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બેન્ક ફ્રોડ, સાયબર ફ્રોડથી લોકોએ 3707 કરોડ રૂપિયા ગુમાવ્યા છે તેની સામે લોકોને માંડ 97 કરોડ જ પાછા મળ્યાં છે.
ઓનલાઈન ચીટિંગ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થાય પછી પૈસા પરત મળે તો તે પરત કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે. જો શરૂઆતના કલાકોમાં ફરિયાદ થાય અને સાયબર ક્રાઈમ પોલીસ અને બેન્ક આ પૈસા બ્લોક કરી આગળ વધતાં અટકાવી શકે તો પણ તમારા ખાતામાં પરત મોકલવા માટે સાયબર ક્રાઈમ પોલીસ બેન્કના લેખિત જાણ કરે તે પછી જ કાર્યવાહી થાય છે. જો પોલીસ ફરિયાદને લાંબો સમય વિતી ગયો હોય પછી પૈસા પરત આવે તો કોર્ટમાં અરજી કરવી પડે, પોલીસ તપાસનો અહેવાલ આવે તે પછી કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે તે પછી બેન્ક દ્વારા પૈસા પરત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે, જો સાયબર છેતરપિંડી થાય તેની એક કલાકમાં ગોલ્ડન અવર હોય છે અને આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ બ્રાન્ચ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવે તો પૈસા સરળતાથી પરત મળવાના ચાન્સ વધી જાય છે. નવી વ્યવસ્થા મુજબ, મોટી રકમ હોય તો ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં હવે બેન્કો એક કલાકનો સમય વિતાવે છે. આ દરમિયાન જ સાયબર ક્રાઈમ થયાની જાણ થાય અને તરત જ બેન્ક, પોલીસનો સંપર્ક કરવામાં આવે તો રકમ ટ્રાન્સફર કરવામાં આવતી નથી અને બચી જાય છે. એક વખત પૈસા તમારા બેન્ક ખાતામાંથી નીકળી જાય તે પછી તેને પરત મેળવવા પ્રોસિજર પૂર્ણ કરવી પડે છે.
