જો તમે તમારો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારું ટર્નઓવર નક્કી કરેલી મર્યાદાને પાર કરી ગયું છે, તો તમારા માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય બની જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે આ પ્રક્રિયા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે અથવા પ્રોફેશનલને 5000 થી 10000 રૂપિયા આપવા પડશે. પરંતુ, ભારત સરકારનું GST પોર્ટલ સંપૂર્ણપણે ડિજિટલ છે અને તમે બિલકુલ મફતમાં જાતે જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકો છો.
GST રજિસ્ટ્રેશન માટે તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે:
ઓળખનો પુરાવો: બિઝનેસ માલિક, પાર્ટનર કે ડિરેક્ટરનું પાન કાર્ડ અને આઈડી પ્રૂફ.
સરનામાનો પુરાવો: બિઝનેસના સ્થળનું વીજળી બિલ, પ્રોપર્ટી ટેક્સની રસીદ અથવા રેન્ટ એગ્રીમેન્ટ.બેંકની વિગતો: કેન્સલ કરેલો ચેક, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુકના પહેલા પેજની નકલ.
અન્ય: પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અધિકૃત હસ્તાક્ષરકર્તાનો ઓથોરાઈઝેશન લેટર. (નોંધ: સરકારી પોર્ટલ પર આ પ્રક્રિયા સંપૂર્ણપણે ફ્રી છે).
GST રજિસ્ટ્રેશનની શરૂઆત ટેમ્પરરી રેફરન્સ નંબર (TRN) જનરેટ કરવાથી થાય છે.
સત્તાવાર પોર્ટલ www.gst.gov.in પર જાવ અને Services > Registration > New Registration પર ક્લિક કરો.
Taxpayer વિકલ્પ પસંદ કરી પાન કાર્ડ મુજબ નામ, પાન નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો.
મોબાઈલ અને ઈમેલ પર આવેલા અલગ-અલગ OTP ને વેરિફાઈ કરો, જેથી 15 આંકડાનો TRN જનરેટ થશે.
TRN નંબર જનરેટ થયા બાદ આગળની પ્રક્રિયા પૂરી કરવાની રહે છે.
પોર્ટલ પર TRN વિકલ્પ પસંદ કરી, નંબર અને કેપ્ચા નાખીને લોગિન કરો.
My Saved Applications માં જઈને ડ્રાફ્ટ ફોર્મના એક્શન આઈકન પર ક્લિક કરો.
અહીં બિઝનેસની વિગતો, પ્રમોટરની માહિતી, કામકાજનું મુખ્ય સ્થળ અને HSN/SAC કોડ્સ ભરો.
માંગ્યા મુજબના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ PDF અથવા JPEG ફોર્મેટમાં અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરવાના અંતિમ તબક્કામાં આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરો. આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મેળવીને આ પ્રક્રિયા પૂરી કરો. આધાર ઓથેન્ટિકેશન કરવાથી સામાન્ય રીતે 7 થી 10 દિવસમાં કોઈપણ ફિઝિકલ વેરિફિકેશન વિના GST નંબર જારી થઈ જાય છે. જો તમે આ વિકલ્પ પસંદ નથી કરતા, તો ફિઝિકલ વેરિફિકેશનમાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
ફોર્મ સબમિટ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ નંબર અને ઈમેલ પર ARN (એપ્લિકેશન રેફરન્સ નંબર) મોકલવામાં આવશે. તમે પોર્ટલ પર Track Application Status માં જઈને અરજીનું સ્ટેટસ ચકાસી શકો છો. મંજૂરી મળતાં જ તમને 15 આંકડાનો GSTIN અને લોગિન પાસવર્ડ ઈમેલ પર મળી જશે, જેના આધારે તમે પોર્ટલ પરથી તમારું GST સર્ટિફિકેટ સરળતાથી ડાઉનલોડ કરી શકશો.