વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ યથાવત્ છે. ગાયો રસ્તા પર બેસી રહેતી હોવાથી ગંદકી ઉપરાંત અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે. ત્યારે ગોરવા વિસ્તારમાં ગાય પકડવા ગયેલી કોર્પોરેશનની ઢોર ડબ્બા શાખાની ટીમ સાથે ઘર્ષણ થતાં કેટલ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ગોરવા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફતેગંજ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય વિક્રમસિંહ સરવૈયા કોર્પોરેશનમાં કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની ફરિયાદ મુજબ, ગત 16 ઓગસ્ટે કોર્પોરેશનની વેબસાઇટ પર નંદનવન સોસાયટી પાસે ગાયો બેસી રહેતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે ગઈકાલે બપોરે ઢોર ડબ્બા શાખાની ટીમ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચી હતી અને બે ગાયોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન મેહુલભાઈ નામનો પશુપાલક ત્યાં ધસી આવ્યો હતો અને ટીમે પકડેલી ગાય છોડાવી લઈ ગયો હતો. ત્યારબાદ ભાવેશ રબારી પણ ત્યાં આવ્યો હતો અને વિક્રમસિંહ સરવૈયા સાથે બોલાચાલી કરી લાકડીના ત્રણ ફટકા મારી ગાળો આપી હતી. એટલું જ નહીં, તેમની સાથેના કર્મચારીને પણ ઘરે આવીને મારવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
દરમિયાન કનુ રબારી પણ ત્યાં ધસી આવ્યો હતો અને થાંભલા સાથે બાંધી રાખેલી અન્ય એક પકડેલી ગાયને પણ છોડાવી લઈ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદના આધારે ગોરવા પોલીસે મેહુલ (રહે. જવાહરનગર), ભાવેશ બારી (રહે. નંદાલય હવેલી, ગોરવા) અને કનુ રબારી (રહે. કરોળિયા રોડ, જવાહરનગર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
