પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા વરિષ્ઠ નેતા આશીષ બેનરજીનો મૃતદેહ રવિવારે સવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટ સ્થિત તેમના નિવાસસ્થાન નજીક આવેલા પાર્ટી કાર્યાલયમાંથી ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના અત્યંત કટોકટીના સાથી અને નજીકના માનવામાં આવતા આશીષ બેનરજીના આ શંકાસ્પદ મોત અંગે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં આશીષ બેનરજીના ઘરની બિલકુલ બાજુમાં આવેલી TMC ઓફિસમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી મૃતદેહને તાત્કાલિક કબજે લઈને પંચનામું કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
સતત 5 વખત ચુંટાયા, રાજ્યના શિક્ષણ અને કૃષિ મંત્રી રહ્યા
આશીષ બેનરજી તૃણમૂલ કોંગ્રેસના સ્થાપના કાળથી જ બીરભૂમ જિલ્લાનો મોટો ચહેરો રહ્યા હતા:
5 વખત ધારાસભ્ય: તેઓ બીરભૂમ જિલ્લાની રામપુરહાટ બેઠક પરથી વર્ષ 2001, 2006, 2011, 2016 અને 2021 માં સતત પાંચ વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
મંત્રીપદ અને મહત્ત્વના હોદ્દા: મમતા બેનરજી જ્યારે પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે આશીષ બેનરજીએ રાજ્યના શિક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સતત પાંચ ચૂંટણી જીતનારા આશીષ બેનરજીને આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર ધ્રુવ સાહા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદથી જ તેઓ જાહેર જીવનમાં થોડા શાંત જણાતા હતા, પરંતુ તેમના આ પ્રકારે અચાનક થયેલા શંકાસ્પદ અવસાનથી તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરોમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
