જેતલસર નજીકથી એલસીબી અને એસઓજીએ ૫૪૦૦ લિટર ભેળસેળયુક્ત દૂધ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું. છેલ્લા ઘણાં સમયથી નકલી પનીર, નકલી મીઠાઇ સહિતની દૂધની બનાવટોની બજારમાં ભરમાર વચ્ચે નકલી દૂધ વેંચી લોકોના અને ખાસ કરીને બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું કારસ્તાન ચાલતું હોવા છતાં ભાગ્યે જ બહાર આવે છે. બાકી નકલી દૂધ અને તેની બનાવટો બજારમાં બેરોકટોક વેંચાતી રહે છે.
તંત્રને આ બાબતે શંકાસ્પદ રીતે બહુ રસ ન હોવાથી રાજ્યમાં ભેળસેળીયા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. આ અગાઉ પણ જેતપુર પંથકમાંથી ભેળસેળયુક્ત દૂધનો જથ્થો પકડાયો હતો. જે જૂનાગઢની ડેરીમાં જઇ રહ્યો હતો. એલસીબી અને એસઓજીએ મળેલી બાતમીના આધારે ગઇકાલે રાત્રે જેતલસર પાસે વોચ ગોઠવી ટેન્કરને અટકાવી તલાશી લેતા અંદરથી ૫૪૦૦ લિટર દૂધનો જથ્થો મળ્યો હતો.
સ્થળ પર પહોંચેલા ફુડ એન્ડ સેફ્ટી ઓફિસરે જરૂરી સેમ્પલો લઇ પ્રાથમિક દ્રષ્ટીએ જ દૂધમાં ભેળસેળ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેના પગલે આ દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. ટેન્કર ચાલક ભરત મામૈયાભાઇ લોહ (ઉ.વ.૨૯, રહે. ખાખરાતળ ગામ, તા.થાન)ની પૂછપરછ બાદ એસઓજીના સુત્રોએ જણાવ્યું કે, દૂધનો આ જથ્થો વંથલીના ઝાંપોદર ગામે અલખધણી ડેરીમાંથી આવી રહ્યો હતો અને મૂળી નજીક પાંચાળ ડેરીમાં જઇ રહ્યો હતો.
દૂધના જથ્થામાં ખરેખર કઇ જગ્યાએ ભેળસેળ થઇ હતી તે અંગે હવે તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં દૂધમાં પાવડર અને ફેટ વધારવા માટે વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરાયાની શક્યતા છે. કારણકે દૂધ ઉપર પ્રવાહી જેવું કંઇક દેખાતું હતું. બાકી ખરેખર શેની ભેળસેળ કરાઇ હતી તેનો એફએસએલ રીપોર્ટ પછી જ ખુલાસો થશે.
આ ભેળસેળયુક્ત દૂધ પછીથી કોઇ જાણીતી ડેરીમાં વેંચવામાં આવતું હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે. હાલ આ કારસ્તાન અંગે જાણવાજોગ નોંધ કરાઇ છે. એફએસએલના રીપોર્ટ બાદ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરાશે
