સાંસદના પુત્રએ મોંઘીદાટ કારથી યુવતીને કચડી, પોલીસે નોટિસ આપી છોડ્યો; તપાસ ચાલુ

સાંસદના પુત્રએ મોંઘીદાટ કારથી યુવતીને કચડી, પોલીસે નોટિસ આપી છોડ્યો; તપાસ ચાલુ

તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી એસ્ટન માર્ટિન કારની ટક્કરથી 26 વર્ષીય યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કાર આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદ લિંગમનેની રમેશનો 23 વર્ષીય પુત્ર લિંગમનેની સંજુશ ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતીની ઓળખ 26 વર્ષીય ભારતી મુખી તરીકે થઈ છે, જે તે જ મોલમાં સેલ્સવુમન તરીકે નોકરી કરતી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 16 ઓગસ્ટે બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ ભારતી તેના એક સાથી કર્મચારી સાથે નજીકની હોટેલમાં જમવા ગઈ હતી. જમીને બંને જ્યારે રસ્તો ઓળંગીને મોલ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે જ પુરપાટ ઝડપે આવેલી કારે ભારતીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી સખત હતી કે ભારતીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને એ જ કારમાં તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે મોલના સ્ટોર મેનેજર પંજાલા અશ્વિન કુમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ અને દસ્તાવેજોના આધારે પોલીસે સાંસદના પુત્ર સંજુશ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) હેઠળ ગુનો નોંધ્યો છે, જે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મોત નીપજાવવા સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. સીસીટીવી અને તપાસમાં સ્પષ્ટ થયું છે કે અકસ્માત સમયે સંજુશ જ કાર ચલાવી રહ્યો હતો. જોકે, આ ગુનો જામીનપાત્ર હોવાથી પોલીસે તેની ધરપકડ કરવાના બદલે નોટિસ પાઠવી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ, અકસ્માત સમયે સંજુશ દારૂ કે અન્ય કોઈ નશાની હાલતમાં નહોતો અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી. તે ‘બ્લેક રિજ એનર્જી લિમિટેડ’ નામની કંપનીમાં ડિરેક્ટર છે અને તેણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, ડલાસથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. તે આંધ્રપ્રદેશના જનસેના પાર્ટીના રાજ્યસભા સાંસદ લિંગમનેની રમેશનો પુત્ર છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણની જનસેના પાર્ટી અને ટીડીપી (TDP) ગઠબંધનની સરકાર છે. જોકે, આ ઘટના અંગે સાંસદ કે તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ જાહેર ટિપ્પણી કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...