બાલિયાનની હત્યા મામલે બે શૂટર્સનું એન્કાઉન્ટર, 6 લોકોની ભૂમિકા સામે આવી

બાલિયાનની હત્યા મામલે બે શૂટર્સનું એન્કાઉન્ટર, 6 લોકોની ભૂમિકા સામે આવી

ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણાના સિંગર અને યુટ્યુબર અંકિત બાલિયાનની હત્યાના મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ને મોટી સફળતા મળી છે. શામલીના કૈરાના રોડ પર પોલીસ સાથે થયેલી અથડામણમાં ગૌગી ગેંગ સાથે સંકળાયેલા અને 50-50 હજાર રૂપિયાનું ઇનામ ધરાવતા બે શૂટર્સ ઠાર થયા છે. માર્યા ગયેલા આરોપીઓની ઓળખ સુમિત અને મોહિત તરીકે થઈ છે.

પોલીસ તપાસ અનુસાર, અંકિત બાલિયાનની હત્યા અંજામ આપવા માટે એકંદરે ચાર શૂટર્સ સ્થળ પર પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે સામે આવ્યું છે કે આ ચાર શૂટર્સ ઉપરાંત બે અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ રેકી કરવા અને લોજિસ્ટિક મદદ પૂરી પાડવામાં સામેલ હતા. આ સાથે જ આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ લોકોની સંડોવણી સ્પષ્ટ થઈ ચૂકી છે.
 તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ સુરાગ હાથ લાગ્યા હતા. 20મી ઓગસ્ટે શૂટર્સ શામલી પહોંચ્યા હતા અને સ્થાનિક સૂર્યા હોટેલમાં રોકાયા હતા. ત્યાં સબમિટ કરવામાં આવેલા આધાર કાર્ડ અને હોટેલના સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી પોલીસને તેમની ચોક્કસ ઓળખ મળી હતી. અંકિત બાલિયાન પર ગોળીબાર કર્યા બાદ બે શૂટર્સ બાઇક પર કરનાલ તરફ ભાગી ગયા હતા, જ્યારે મોહિત અને સુમિત બાગપત તરફ નાસી છૂટ્યા હતા.

આ કેસનો વહેલી તકે ઉકેલ લાવવા માટે મેરઠ ઝોનના એડીજી ભાનુ ભાસ્કરના નિર્દેશ હેઠળ મેરઠ ઝોનના સાત જિલ્લાની આઠ ખાસ પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન શામલીના કૈરાના રોડ પર આવેલા ઇન્ડિયન ગેસ ગોડાઉન પાસે મોહિત અને સુમિત ઘેરાઈ ગયા હતા. પોલીસે તેમને આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું, પરંતુ તેણે ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને શૂટર્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા અને હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અથડામણ દરમિયાન સ્વોટ (SWAT) ટુકડીના હેડ કોન્સ્ટેબલ હરવિન્દ્ર અને પ્રદીપ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળેથી પોલીસે બે પિસ્તોલ, જીવતા તથા વપરાયેલા કારતૂસ, એક બાઇક અને 5,000 રોકડા રૂપિયા જપ્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...