સનાથલ નજીકના વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરુ તોડીને તસ્કરો અંદર આવ્યા હતા

સનાથલ નજીકના વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરુ તોડીને તસ્કરો અંદર આવ્યા હતા

અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમ સ્થિત એક કંપનીના વેરહાઉસમાંથી રાતના સમયે તસ્કરોએ રૂપિયા એક કરોડના કિંમતી ગેઝેટ્સની ચોરી કરી હોવાની ઘટના ઘટી છે. જેમાં આઇફોન, આઇપેડ, એપલ વોચ અને લેપટોપ સહિતના મુદ્દામાલનો સમાવેશ થાય છે. સીસીટીવી ફુટેજ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેરહાઉસ પાછળના ખુલ્લા ખેતરમાંથી તસ્કરો આવ્યા હતા અને વેરહાઉસનું પતરુ ખોલીને મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા સુધીર નાયર સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમમાં આવેલા ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 21 ઓક્ટોબરની રાત્રે એકથી અઢી વાગ્યા દરમિયાન સિક્યોરીટી ગાર્ડે તપાસ કરતા વેરહાઉસના પાછળના ભાગના પતરા તુટેલા જણાયા હતા. જેથી તપાસ કરતા જણાયુ કે વિવિધ પાર્સલ તુટેલા હતા અને તેમાંથી કિંમતી સામાન ગાયબ હતો. જે અંગે સુધીરને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મેનેજરે વધુ તપાસ કરતા 40 નંગ આઇફોન-17, 30 નંગ આઇફોન-16, 15 ડેલ કંપનીના લેપટોપ, 11 એચપી કંપનીના લેપટોપ,36 એપલની વોચ,20 આઇપેડ કી બોર્ડ, આઇપેડ પ્રો અને લેપટોપની બેગ સહિત કુલ 1 કરોડનો મુદ્દામાલ ચોરી થયો હતો.

વેરહાઉસના સીસીટીવી તપાસ કરતા પાછળના ખેતરથી આવેલા લોકોએ પતરા તોડીને પ્રવેશ કરીને ચોરી કરી હતી. બાદમાં એજ રસ્તેથી નાસી ગયા હતા. ચાંગોદર પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી સહિતના સ્ટાફ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચોરીમાં કોઇ ચોક્કસ જાણભેદુ વ્યક્તિની સંડોવણીની શક્યતા છે. જેના આધારે ટેકનિકલ એનાલીસીસ કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...