40 લાખથી વધુ વાહનો ભંગાર! સરકારે રોડ ટેક્સનું ગાજર લટકાવ્યું છતાં ફ્લોપ થઈ સ્કીમ

40 લાખથી વધુ વાહનો ભંગાર! સરકારે રોડ ટેક્સનું ગાજર લટકાવ્યું છતાં ફ્લોપ થઈ સ્કીમ

રાજ્ય સરકારે ફરી એકવાર વાહન સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે, પરંતુ સત્તાવાર આંકડાઓ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં 15 વર્ષથી વધુ જૂના અને ખખડધજ વાહનોની કુલ સંખ્યા 41.20 લાખથી વધુ નોંધાયેલી છે. આ ખખડધજ વાહનો મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે અને સાથેસાથે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની રહ્યા છે. હવે સરકારે રહી રહીને વાહનો ભંગારવાડે જાય તે માટે આકર્ષક રોડ ટેક્સ રાહતનું ગાજર લટકાવ્યું છે, પરંતુ તેમ છતાં સ્થિતિ જ્યેની ત્યે છે.

રાજ્યના મોટા શહેરોમાં 15 વર્ષ જૂના વાહનોનો રાફડો ફાટ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20.58 લાખથી વધુ વાહનો ખખડધજ હાલતમાં છે. આ ઉપરાંત રાજકોટમાં આશરે 7.36 લાખ, સુરતમાં 2 લાખ અને વડોદરામાં 1.35 લાખથી વધુ જૂના વાહનો નોંધાયા છે. આ 41 લાખ વાહનોમાં 6.34 લાખથી વધુ કાર, 1.76 લાખ જેટલી ટ્રક, 1.11 લાખથી વધુ ટ્રેક્ટર અને 1.34 લાખથી વધુ પેસેન્જર રિક્ષાઓનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ માટે મોટો ખતરો બની રહ્યા છે.

નવી માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સરકાર હસ્તકના 15 વર્ષથી જૂના સરકારી વાહનો, એસ.ટી. બસો અને સ્થાનિક નગરપાલિકા કે કોર્પોરેશનના વાહનોને ધીરે ધીરે સ્ક્રેપ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી વાહનો માટે પણ 15 વર્ષ પૂર્ણ થયા બાદ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું કડક બનાવી દેવાયું છે. નવા નિયમો મુજબ 15 વર્ષ જૂની ખાનગી કારના રી-રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી લોકો જૂના વાહનો વાપરવાનું બંધ કરે. આમ છતાંય જૂના વાહનોની ભરમાર યથાવત રહી છે. આ જોતાં વાહન સ્ક્રેપ પોલિસી બિનઅસરકારક સાબિત થઈ રહી છે.

ગુજરાતમાં વાહન સ્ક્રેપ પોલિસી અપેક્ષા મુજબ સફળ થઈ રહી નથી તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

>અપૂરતું આર્થિક વળતર: વાહન માલિકોને જૂનું વાહન ભંગારમાં આપવા બદલ જે આર્થિક વળતર મળે છે તે ખૂબ ઓછું છે. નવી ગાડી ખરીદતી વખતે મળતી રોડ ટેક્સની રાહત કે ડિસ્કાઉન્ટ એટલું વધુ નથી કે સામાન્ય માણસ નવું મોંઘું વાહન ખરીદવા પ્રેરાય.
>નવા વાહનોની વધતી કિંમતો: બજારમાં નવા વાહનોના ભાવ સતત વધી રહ્યા છે. ટેક્સમાં થોડી રાહત મળવા છતાં, મધ્યમ વર્ગના પરિવાર માટે મોંઘી લોન અને ઊંચા હપ્તા ભરીને નવું વાહન ખરીદવું આર્થિક રીતે પોસાય તેમ નથી. તેથી લોકો જૂનું વાહન જ ચલાવવાનું પસંદ કરે છે.
>માળખાકીય સુવિધાઓનો અભાવ: ગુજરાત અને દેશના ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરતી સંખ્યામાં સત્તાવાર વ્હીકલ સ્ક્રેપિંગ સેન્ટર્સ ઉપલબ્ધ નથી. વાહન જમા કરાવવાની અને સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સામાન્ય નાગરિક માટે જટિલ અને સમય બગાડનારી છે.
>ગેરકાયદેસર ભંગાર બજાર સાથે હરીફાઈ: સરકારી સેન્ટરો કરતાં લોકલ ભંગાર બજારના વેપારીઓ જૂની ગાડીના છૂટા ભાગો (સ્પેર પાર્ટ્સ) વેચીને વાહન માલિકને વધુ રોકડ રકમ આપી દે છે. વળી, ત્યાં કોઈ કાગળિયાની માથાકૂટ હોતી નથી, જેથી લોકો સરકાર પાસે જવાને બદલે ત્યાં જવાનું પસંદ કરે છે.
>જૂના વાહનો પ્રત્યે ભાવનાત્મક જોડાણ: ભારતીય પરિવારોમાં પોતાના વાહન સાથે એક ભાવનાત્મક જોડાણ હોય છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને સ્થાનિક હેરફેર માટે 15 વર્ષ જૂની ગાડીઓ કે ટ્રેક્ટર હજુ પણ સારી સ્થિતિમાં કામ આપતા હોય છે, જેથી લોકો તેને ભંગારમાં કાઢવા તૈયાર થતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...