મિડલ ઈસ્ટમાં વધતા જતા લશ્કરી તણાવ અને તાજેતરમાં યુએસ-ઈરાન વચ્ચે થયેલા ગોળીબાર છતાં વૈશ્વિક વેપારના સૌથી સંવેદનશીલ ગણાતા હોર્મુઝ માર્ગેથી ભારત આવતા માલવાહક જહાજોની અવરજવર અવિરત ચાલુ છે. છેલ્લા 72 કલાકમાં વધુ 9 માલવાહક જહાજોએ હોર્મુઝ સામુદ્રધુની સુરક્ષિત રીતે પાર કરી લીધી છે, જેમાંથી 7 જહાજો ભારત માટે અત્યંત જરૂરી સામગ્રી લઈને આવી રહ્યા છે. આ સાથે જ શનિવાર સુધીમાં આ દરિયાઈ માર્ગેથી સુરક્ષિત રીતે પસાર થઈ ભારત પહોંચેલા કુલ જહાજોની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે.
અહેવાલો અનુસાર, છેલ્લા 72 કલાકમાં પાર થયેલા 9 જહાજોમાંથી, 4 ભારતીય ધ્વજવંદન જહાજો અને 5 વિદેશી ધ્વજવંદન જહાજો છે. ભારે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત આવી રહેલા અતિ મહત્ત્વના જહાજોએ સફળતાપૂર્વક આ જોખમી માર્ગ કાપ્યો છે. APJ પ્રીતિ ભારતીય જહાજ 65,000 ટન ખાતરનો જથ્થો લઈને શનિવારે સફળતાપૂર્વક સામુદ્રધુની પાર કરી ગયું છે. શુક્રવારે, બે અન્ય મોટા જહાજોએ પણ આ માર્ગ અપનાવ્યો. દેશ સુરક્ષા, 100,000 ટનથી વધુ ક્રૂડ ઓઇલ વહન કરીને, સુરક્ષિત રીતે સફર કરી. આ દરમિયાન, 18,732 ટન અન્ય આવશ્યક ચીજવસ્તુઓ વહન કરીને, પ્રભુ પાર્વતી સામુદ્રધુનીમાંથી પસાર થયું.
એક તરફ જહાજો પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ હજુ પણ ભારત તરફ આવનારા 15 અન્ય જહાજો પર્સિયન ગલ્ફમાં સુરક્ષા ગેરંટી અને સલામત માર્ગ (Safe Passage)ની રાહ જોઈને ઊભા છે. આ 15 જહાજો પૈકી 10 મોટા ભારતીય જહાજો છે. 4 જહાજોમાં ખેતી માટે જરૂરી ખાતર ભરેલું છે. 1 જહાજ ક્રૂડ ઓઇલ અને ગેસ વહન કરી રહ્યું છે.
જહાજોની ગતિવિધિઓનું નિરીક્ષણ કરતા શિપ ટ્રેકર્સ અનુસાર, પહેલી માર્ચથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયેલા ભારત સાથે જોડાયેલા જહાજોમાં 15 બલ્ક કેરિયર્સ, 13 LPG કેરિયર્સ, 11 ક્રૂડ ટેન્કર અને બે LAG જહાજોનો સમાવેશ થાય છે.
