બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા ભલે લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વિચારોને કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને તનુશ્રીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ અને દિગ્ગજ કલાકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બોલિવૂડમાં ‘વેટરન’ કે ‘દિગ્ગજ’ નો વાસ્તવિક અર્થ માત્ર ઉંમરથી મોટો વ્યક્તિ નથી, પરંતુ શાતિર મગજ ધરાવતો અને તમામ ચાલાકીઓ શીખી ગયેલો ખેલાડી છે.
પોતાના જૂના દિવસો અને અનુભવોને યાદ કરતાં તનુશ્રી દત્તાએ લખ્યું કે વર્ષો પહેલાં એક વરિષ્ઠ કલાકારે તેની ચમકતી કારકિર્દી બરબાદ કરી નાખી હતી. તેણે ઉમેર્યું કે, “મને એમ લાગ્યું હતું કે તે એક વડીલ કલાકાર છે અને તેમને મદદ કરવી જોઈએ, પરંતુ મને બલિનો બકરો બનાવવામાં આવી.” તેણે વડીલ કલાકારો પર મીડિયા અને સામાન્ય લોકોને પોતાના ગુનાઓ તથા સાચા ચરિત્રને છુપાવવા માટે ભ્રમિત કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
