ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૭માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સ્ટેશનરી સહિત પરીક્ષા સંલગ્ન વિવિધ ખર્ચમાં થયેલા વધારાને પગલે બોર્ડ દ્વારા નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. નવા નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પરીક્ષાના ખર્ચનું વધારાનું ભારણ પડશે. ધોરણ ૧૦ની પરીક્ષા ફીમાં રૂ.૨૦, જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં રૂ.૩૫ અને સામાન્ય પ્રવાહમાં રૂ.૩૦નો વધારો કરવામાં આવ્યો છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા ફી માળખા મુજબ ધોરણ ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓએ અગાઉ રૂ.૪૨૫ પરીક્ષા ફી ચૂકવવાની થતી હતી, જે વધારીને હવે રૂ.૪૪૫ કરવામાં આવી છે. જ્યારે રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અગાઉની રૂ.૪૧૫ ફી વધારીને રૂ.૪૩૫ કરવામાં આવી છે. આમ, ધોરણ ૧૦ના તમામ સંબંધિત ઉમેદવારો માટે પરીક્ષા ફીમાં રૂ.૨૦નો વધારો થયો છે.
ધોરણ ૧૨ સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા ફી રૂ.૭૬૦ નક્કી કરવામાં આવી છે. આ પ્રવાહમાં અગાઉની સરખામણીએ રૂ.૩૫નો વધારો થયો છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ફીમાં રૂ.૩૦નો વધારો કરવામાં આવ્યો છે. વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાઓ માટે પણ બોર્ડ દ્વારા નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે.
બોર્ડ દ્વારા ધોરણ ૧૦, સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ ૧૨ સાયન્સ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનાં આવેદનપત્રો ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
નિયમિત ફી સાથે વિદ્યાર્થીઓ ૩ ડિસેમ્બર સુધી આવેદનપત્ર ભરી શકશે. નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત રિપીટર અને અન્ય તમામ ઉમેદવારોએ ફરજિયાત ઓનલાઈન માધ્યમથી જ પરીક્ષાનાં ફોર્મ ભરવાનાં રહેશે.
પરીક્ષા સંચાલન, સ્ટેશનરી અને અન્ય આનુષંગિક ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં સુધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
જોકે, આગામી ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ફીમાં થયેલો આ વધારો વધારાનું આર્થિક ભારણ બની રહેશે. હવે વિદ્યાર્થીઓએ નવી ફી મુજબ સમયમર્યાદામાં ઓનલાઈન આવેદનપત્ર ભરી પરીક્ષા ફી જમા કરાવવાની રહેશે.
