ઘરેથી ગેસ રિફાલિંગનો ગેરકાયદે કારોબારનો પર્દાફાશ

ભાવનગર ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલા હિલ ડ્રાઈવ સોસાયટીમાં ઘરેથી સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં રિફાલિંગ કરવાનો ગેરકાયદે કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસની પેરોલ ફલો ટીમે બાતમીના આધારે પાડેલા આ દરોડામાં કુલ 42 ગેસ સિલિન્ડર, રિફાલિંગ માટેની બે ઇલેક્ટ્રિક મોટર અને બે ડિજીટલ વજનકાંટા સહિત કુલ રૂ. 1,55,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પેરોલ ફલો પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંસ્કાર મંડળની હિલ ડ્રાઈવ સોસાયટીમાં પ્લોટ નંબર 2222, ઈ/7 ખાતે આવેલા ખોડલકૃપા નામના રહેણાક મકાનમાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય ખાલી સિલિન્ડરમાં ભરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પેરોલ ફલો સ્ટાફે સ્થળ પર દરોડો પાડÎો હતો. મકાનની તલાશી દરમિયાન રિલાયન્સ, એચપી, ઇન્ડિયન અને ભારત ગેસ કંપનીના ઘરેલુ તથા કોમર્શિયલ સિલિન્ડર મળી આવ્યા હતા. જેમાં 3 ભરેલા અને 33 ખાલી ઘરેલુ સિલિન્ડર તેમજ 6 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર સહિત કુલ 42 સિલિન્ડર કબજે કરાયા હતા. આ ઉપરાંત, ગેસ રિફાલિંગ માટે જોડેલી બે ઇલેક્ટ્રિક મોટર અને બે ડિજીટલ વજનકાંટા પણ મળી આવતા પોલીસે તે તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન મકાનમાં હાજર ન મળી આવેલા મકાનમાલિક મહેન્દ્રાસિંહ રણજીતાસિંહ વાળાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રાહકોના ઘરે પહોંચાડવાના ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ઓછા વજનના સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવતો હતો. આ સમગ્ર ગેરરીતિ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *