નવી દિલ્હી : યૂઝર્સની અયોગ્ય પોસ્ટ બદલ હવે સોશિયલ મીડિયા કંપનીઓને પણ જવાબદાર ઠરાવાશે. કેન્દ્ર સરકારે હવે ફેસબૂક, ઇંસ્ટાગ્રામ, યુ-ટયૂબ અને ‘એક્સ’ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કાનૂની સુરક્ષા ખતમ કરવાનું વિચારી રહી છે.
આ સુરક્ષા કવચ હટી જશે પછી કોઇ યૂઝર્સની વિવાદસર્જક પોસ્ટના મામલામાં આ તમામ સોશિયલ મીડિયા કંપનીઓ સામે કાર્યવાહી થશે.
આઇટી મંત્રાલયે સોશિયલ મીડિયા નિયમોમાં બદલાવ પર ચર્ચા શરૂ કરી દીધી છે. અત્યારે આઇટી કાયદાની કલમ 79 હેઠળ મળતી કાનૂની સુરક્ષાના કારણે કંપનીઓની કોઇ જવાબદારી જ નથી.
સરકાર આ સુરક્ષા ફેસબૂક, ઇંસ્ટા જેવી કંપનીઓથી હટાવીને ઇન્ટરનેટ, ટેલિકોમ અને મેસેજિંગ સુધી સીમિત કરવાનું વિચારી રહી છે.
અહેવાલ અનુસાર કાનૂની સુરક્ષા એ મેટા, ગૂગલ અને એક્સ જેવી કંપનીઓને યૂઝર્સની સામગ્રી પર મોટા કારોબાર ઊભા કરવામાં મદદ કરી છે.
સરકારનો એક વર્ગ માને છે કે, સોશિયલ મીડિયા મંચો હવે માત્ર જાણકારી પહોંચાડનારા માધ્યમ નથી રહ્યા, પરંતુ અલ્ગોરિધમની સામગ્રીની રેન્કિંગ, ભલામણ નક્કી કરે છે.
આ પ્લેટફોર્મ્સ પોતાની કોમ્યુનિટી ગાઇડલાઇન આધારે પોસ્ટ હટાવે છે અથવા સીમિત કરી દેતા હોય છે.
