વડોદરા શહેર-જિલ્લામાં ઠેર-ઠેર માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તાઓના પેચવર્ક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા છતાં અનેક માર્ગો પર ખાડાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વરસાદ હોય કે ન હોય, શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે.
સોનારકુઈ ખાતે પણ માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો હતો. આ પરિસ્થિતિને જોતા એક જાગૃત નાગરિકે તંત્રની રાહ જોવાને બદલે જાતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. યુવકે માર્ગ પર પડેલા ખાડા પૂર્યા હતા, જેથી વાહનચાલકોને અકસ્માતના જોખમમાંથી રાહત મળી શકે.
જાગૃત નાગરિક દ્વારા જાતે ખાડા પૂરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોને પગલે તંત્ર દ્વારા રસ્તાના ખાડા પૂરવા માટે કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં જો નાગરિકોએ જ રસ્તાના ખાડા પૂરવાની ફરજ પડે તો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે.
સ્થાનિક લોકોમાં પણ માર્ગોની કથળેલી સ્થિતિને લઈને નારાજગી જોવા મળી રહી છે. ખાડાઓને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય રહે છે.
