ઘટેલા ભાવે જ્વેલરી બજારમાં તેજીનો માહોલ

ઘટેલા ભાવે જ્વેલરી બજારમાં તેજીનો માહોલ

શહેરમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો અને રવિ પુષ્ય નક્ષત્રના શુભ સંયોગના પગલે આજે જ્વેલરી બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં ઘટાડો થતાં મોટી સંખ્યામાં લોકો સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડયા હતા. વેપારીઓના અંદાજ મુજબ એક જ દિવસમાં વડોદરા શહેરમાં રૃા.૧૫૦ કરોડથી વધુના સોના-ચાંદીનું વેચાણ થયું છે.

જ્યોતિષીય માન્યતા પ્રમાણે રવિ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી, ઘરેણાં અને નવી ચીજવસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. આ માન્યતાને પગલે લોકોએ પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે સોનાના દાગીના, સિક્કા અને ચાંદીની વસ્તુઓની ખરીદી કરી હતી.

ચોકસી મહાજન મંડળના પ્રમુખ મિત્તલ ઘીયાએ કહ્યું કે સોનાના ભાવમાં આશરે ૧૦ ટકા અને ચાંદીના ભાવમાં ૨૦થી ૨૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. બજારમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૃા.૧.૩૨ લાખ, ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૃા.૧.૪૨ લાખ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૃા.૧.૮૫ લાખ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવ ઘટતાં ઘરાકી નીકળી છે.

વધુમાં ઉમેર્યું કે રવિ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્ત અને ભાવમાં ઘટાડાના પગલે વડોદરા શહેરમાં રૃા.૧૫૦ કરોડથી વધુના સોના-ચાંદીના વેચાણનો અંદાજ છે. એક મહિના અગાઉ ભાવની અનિશ્વિતતા અને ઊંચા ભાવને કારણે બજારમાં ઘરાકી મંદ હતી. વેપારીઓ પણ ચિંતિત હતા, પરંતુ ભાવમાં ઘટાડા બાદ ખરીદી નીકળતાં જ્વેલરી બજારમાં ફરી આશાનું કિરણ જોવા મળ્યું છે.બીજી તરફ લગ્નસરાની ખરીદીનો પણ પ્રારંભ થઈ ગયો છે. લગ્નના મુહૂર્તને ધ્યાનમાં રાખીને પરિવારો સોનાના દાગીનાની ખરીદી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...