અમદાવાદમાં દારૂના નશામાં ધૂત PSIએ કાર ઠોકી લોકોએ ઘેરી લેતાં અટકાયત કરાઈ

અમદાવાદમાં દારૂના નશામાં ધૂત PSIએ કાર ઠોકી લોકોએ ઘેરી લેતાં અટકાયત કરાઈ

અમદાવાદ શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. (PSI) ભરત પંડ્યાનો નશાની હાલતમાં સાબરમતી વિસ્તારમાં કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાબાદ પી.એસ.આઈ.ને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી પીએસઆઈ ભરત પંડ્યા તેમજ તેની કારને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિકમાં વિશાલા બીટના ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને PSIને ઘેરીને આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ દરમિયાન તેમની કારની ડેકી તપાસતાં તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

PSI ભરત પંડ્યા અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. અગાઉ તેઓ જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા, ત્યારે પણ નશાની હાલતમાં વાહન ચલાવીને કેટલીક લારીઓ ઊંધી વાળી દીધી હોવાના આક્ષેપો સાથે તેમનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત, થોડા સમય પહેલા જ તેમના બીટમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા તેણે જવાનને માર મારવાની ધમકી આપી હતી. આ ધમકીના મામલે તે જવાને પીએસઆઈ સામે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...