મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી

Latest News આરોગ્ય દેશ
ભાવનગર મહાપાલિકામાં બદલી-બઢતીના નિયમનું પાલન થતુ નથી અને લાંબા સમયથી કર્મચારીઓએ એક જગ્યાએ ફરજ બજાવે છે તેવી ચર્ચા હતી, જેના પગલે આજે બુધવારે મહાપાલિકાના કમિશનરે ૭૯ અધિકારી-કર્મચારીની સામુહિક બદલી કરી હોવાનુ જાણવા મળેલ છે.

મહાપાલિકાના કમિશનરના હુકમથી આજે બુધવારે મહેકમ વિભાગે વહીવટી સરળતા ખાતર ૭૯ અધિકારી-કર્મચારીના બદલીના ઓર્ડર કરી છે, જેમાં ૧૪ કાર્યપાલક ઇજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), એસ્ટેટ ઓફીસર, વહીવટી અધિકારી, ગાર્ડન સુપ્રિ., વગેરેનો સમાવેશ થાય છે, જયારે ૧૭ અધિક મદદનીશ ઈજનેર, ૧૧ ટેકનીકલ આસીસ્ટન્ટ અને ૩૭ સીનીયર કલાર્ક, જુનીયર કલાર્ક વગેરેનો સમાવેશ થાય છે. મહાપાલિકામાં ઘણા કર્મચારીઓ પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા હતા, જેના પગલે આવા કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

મહાપાલિકામાં અધિકારીની બદલી થઈ છે તેમાં કેટલાક અધિકારીની નબળી કામગીરીના કારણે પણ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. મહાપાલિકામાં બદલીના ઓર્ડર થયા બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને બદલીના પગલે ચર્ચાનો દૌર જામ્યો છે. હજુ બાકી રહી ગયા છે તે અધિકારી-કર્મચારીઓની આગામી દિવસોમાં બદલી કરવામાં આવશે તેમ કહેવાય છે.  ભાવનગર મહાપાલિકાના કમિશનરના આદેશ અનુસાર બુધવારે મહેકમ વિભાગે નાયબ કાર્યપાલક ઈજનેર (ઈલે. મીકે.) તરીકે ફરજ બજાવતા ભાવેશ વ્યાસને બુધવારે કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવા ઓર્ડર કર્યો હતો. ડીપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિના રજૂ થયેલ અહેવાલને ધ્યાને લઈ કર્મચારીને બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના કેટલાક કર્મચારીઓને નિયમ અનુસાર બઢતી મળવાપાત્ર છે પરંતુ બઢતી અપાતી નથી ત્યારે કમિશનરે યોગ્ય પગલા લેવા જરૂરી છે તેમ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *