કથળતી જતી જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે થાળીમાંથી ફાઇબર દૂર થઈ ગયું છે. આ કારણે લોકો પોષણની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આ દાવો કરનારા રિસર્ચ અનુસાર થાળીમાંથી ફાઇબરની ગેરહાજરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય બની રહી છે.
હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)ના પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ સૌરભ સેઠીએ જણાવ્યું હતું કે, “અમેરિકામાં લગભગ 95 ટકા લોકોને આહારમાં પૂરતાં પ્રમાણમાં ફાઇબર મળતું નથી.” ફાઈબરનો અભાવ તેમનાં પાચન, રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યો છે. શોધકર્તાના જણાવ્યાં પ્રમાણે આહારમાં ફાઇબર માત્ર પાચનતંત્રને દુરુસ્ત રાખવા માટે જ નહીં પરંતુ આંતરડામાં રહેલાં સારા બેક્ટેરિયા માટે પણ જરૂરી છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે ખોરાકમાં ફાઇબરની કમી થવા પાછળ અનેક કારણો જવાબદાર છે
પ્રોસેસ્ડ ફૂડનો ટ્રેન્ડ :- આજકાલ મોટાભાગનાં લોકો રિફાઇન્ડ અનાજ, જંક ફૂડ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, બિસ્કિટ અને ખાંડથી ભરપૂર નાસ્તાનું સેવન કરે છે. તેમાં ફાઇબરનું લગભગ અસ્તિત્વ જ હોતું નથી.
ફળો અને શાકભાજીને બદલે પેકેજ્ડ ફૂડ :- ઓફિસ અને ભાગદોડ ભરેલી લાઇફમાં લોકો તાજા ફળો અને શાકભાજીનાં બદલે પેકેજ્ડ ફૂડ પસંદ કરે છે, જેનાં કારણે ફાઇબરનું પ્રમાણ ઘટી જાય છે.
માહિતીનો અભાવ :- લોકો જે નથી જાણતાં તે એ છે કે ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં, હૃદયરોગ સામે રક્ષણ આપવામાં અને માઇક્રોબાયોમને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ફાઇબર મેક્સિંગનું વલણ ફાયદાકારક છે :- થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર ફાઇબર મેક્સિંગનો ટ્રેન્ડ વાયરલ થયો હતો. આ એક ડાયેટરી પેટર્ન છે. આની પાછળનો હેતુ આહારમાં પૂરતાં પ્રમાણમાં ફાઇબરનો સમાવેશ કરવાનો હતો. ફાઇબરમેક્સિંગ એ શરીરની જરૂરિયાતોને પહોંચી વળવાનો એક સરળ રસ્તો છે
ફાઇબર શા માટે મહત્ત્વનું છે?
► કબજિયાતને અટકાવે છે.
► શુગરને નિયંત્રિત કરે છે.
► કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
► રોગો સામે લડવાની શક્તિ આપે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
ફાઇબરની ઉણપથી શું નુકસાન થાય છે ?
♦ પેટમાં ગેસની સમસ્યા થાય છે.
♦ શરીર ફાયબર વગર અન્ય આવશ્યક પોષક તત્વો લેવામાં અસમર્થ બને છે.
♦ પક્ષાઘાતનું જોખમ વધી જાય છે.
♦ વજન વધવાનું શરૂ થઈ જાય છે.
