વસઈમાં હાર્પિક, ડેટોલ, વિમ જેલ જેવા જાણીતી કંપનીઓના નકલી માલ મળી આવ્યા

Latest News આરોગ્ય કાયદો દેશ

 

વસઈ પૂર્વના એક વેરહાઉસમાં વિવિધ જાણીતી કંપનીઓના નામનો ઉપયોગ કરીને નકલી ઘરગથ્થુ ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે નાયગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

વસઈ પૂર્વમાં કામણ દેવદળ વિસ્તારમા છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પ્રકારના કારખાનાઓ સ્થપાયા છે. આ ફેક્ટરીના વેરહાઉસમાં ગેરકાયદેસર ધંધો થતો હોવાનું બહાર આવી રહ્યું છે, ત્યારે એ જ વિસ્તારના મમતા કમ્પાઉન્ડ ખાતેના વેરહાઉસમાં જાણીતી કંપનીઓના નામ અને લોગોનો ઉપયોગ કરીને નકલી ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટના ફિલ્ડ મેનેજર તરીકે કાર્યરત શીતલકુમાર ઝાના ધ્યાનમાં આવી. ગુરુવારે ફરિયાદ નોંધાયા બાદ, નાયગાંવ પોલીસે સોમવારે આ સંદર્ભમાં કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, પોલીસે અનધિકૃત વેરહાઉસ પર દરોડો પાડ્યો અને નકલી માલ જપ્ત કર્યો. આમાં હેન્ડવોશ, ટૂથપેસ્ટ, જંતુનાશક પદાર્થ, સફાઈ માટે વપરાતું ફિનાઇલ, વાસણ ધોવાનો સાબુ, વાળનું તેલ, જાણીતી કંપનીના નામ અને લોગોવાળા સ્ટીકરો, ૮ લાખ ૮૦ હજાર રૂપિયાની કિંમતના સમાન ઉત્પાદનોના નકલી બોટલો અને બોક્સ જેવા નકલી માલ જપ્ત કરવામાં આવ્યા છે.

કોપીરાઈટ એક્ટ હેઠળ સંબંધિત વ્યક્તિઓ સામે નાયગાંવ પોલીસમા કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. નકલી ઉત્પાદનો બજારમાં કેવી રીતે આવ્યા? આ પાછળ કઈ ગેંગ સક્રિય છે? પોલીસ આ અંગે પણ તપાસ કરી રહી છે.